નાના કારીગરોએ બનાવેલું વાહન એવુ સુપરસક્સેસ ગયુ કે, હવે તેનાથી અમરેલીના ખેડૂતો કરવા લાગ્યા ખેતી

Sun, 04 Jul 2021-4:16 pm,

ગુજરાતનુ લોકપ્રિય ગીત ‘લાલ લાલ સનેડો’ છે. ગીત સાંભળી તમામ લોકોના પગ થીરકવા લાગે છે. પરંતુ એક એવો સનેડો છે જેણે ખેતી કામમાંથી બળદની છુટ્ટી કરી નાંખી. બળદનુ આધુનિક ઓપ્શન એટલે સનેડો. સનેડો કોઈ પ્રાણી કે ગીત નહિ, પરંતુ ખેતીમાં ઉપયોગી વાહન છે. જે બુલેટ નથી, ન તો મારુતી વાન છે, નથી ટેમ્પો, નથી ફિયાટ કે નથી છકડો રિક્ષા. પરંતુ આ તમામ વાહનોના મિક્સ ઉપયોગથી સનેડો બને છે.   

અમરેલીથી પંદર કિલોમીટર દુર આવેલા ચીત્તલ અને આજુબાજુના ગામના કારીગરોએ નાની ખેતીમાં ઉપયોગમાં લેવાય તેવુ એક વાહન બનાવ્યું અને જે ખેતીમાં સુપર સક્સેસ ગયુ. આ વાહન એટલે સનેડો. સનેડાની શોધ થઈ ખેતીમાં બળદના વિકલ્પ તરીકે અને અત્યારે સનેડો બળદના વિકલ્પ તરીકે લોકોએ સ્વીકારી લીધો.

સનેડાની ડિમાન્ડ એટલી છે કે ચિત્તલમાં દૂરથી લોકો સનેડો ખરીદવા આવે છે. સનેડો ખેડુતોને એટલે પસંદ છે કે બળદને સાચવવા માટે એક માણસ કાયમી રાખવો પડે છે. અથવા તો સવાર સાંજ તેનુ નીરણ, પાણી સફાઈ વગેરેની ઝંઝટથી છુટકારો થાય. આ ઉપરાંત સારા બળદની જોડી 40 થી 45 હજારમાં મળે છે. જ્યારે થોડા પૈસા વધારે નાંખવાથી સનેડો મળી જાય છે. આ ઉપરાંત સનેડામાં ડીઝલ સીવાઈ કોઈ ખાસ મેન્ટેનેન્સ નથી આવતુ.   

સનેડાની કિંમત અંદાજે 1 લાખ 50 હજાર રૂપિયાની આસપાસ હોય છે. સનેડામાં હાઈડ્રોલીક ઓટો સ્ટાર્ટ વગેરે સુવિધા પણ હોય છે. સનેડો ખેતીમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે. સનેડો ધીરે ધીરે સમય સાથે આધુનિક થઈ રહ્યો છે. નવી નવી ટેકનોલોજીનો કારીગરો ઉપયોગ કરી વધુ સારી રીતે ખેતીમાં કામ કરે તેવો સનેડો બનાવી રહ્યાં છે. પહેલા સનેડાને ચાલુ કરવા માટે છકડા રીક્ષાની જેમ દોરડાથી શરૂ કરવો પડતો હતો. પણ હવે દોરડાની સાથે સાથે સેલ્ફ સ્ટાર્ટ સનેડા પણ આવી ગયા છે. હજુ તો આ સનેડા પ્રાથમિક ધોરણે છુટાછવાયા કારીગરો અને નાના કારખાનેદારો બનાવી રહ્યાં છે. પરંતુ કોઈ મોટી કંપની જ્યારે આ ટાઈપના નાના વ્હીકલ બનાવશે, જે ખેતીમાં ઉપયોગી થશે તો તેને પણ સારો પ્રતિસાદ મળશે તે ચોક્કસ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link