એવોર્ડ વિનિંગ છે આ ગુજરાતીઓનો પ્રયાસ, માતાજીના ગરબામાંથી નાનકડા જીવને બનાવી આપ્યું ઘર
જેતપુરમાં મકાન અને ઘર બનાવતા લોકો એ એક અનોખી પહેલ શરૂ કરી છે, લોકોને ઘર આપતા આ લોકોએ હવે લુપ્ત થતી જતી ચકલીઓને માટે ઘર બનાવવાનું શરૂ કર્યું છે. નવરાત્રિ બાદ પધરાવી દેવાતા માટીના ગરબામાંથી ચકલીને સુરક્ષિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે.
નવરાત્રિમાં ઘરે ઘરે ગરબામાં દીપ પ્રગટાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે અને 9 દિવસ બાદ આ માટીના ગરબાને મંદિરે મૂકીને વિસર્જન કરવામાં આવે છે. ત્યારે જેતપુરના મકાન બાંધકામનું કામ કરતા એક ગ્રુપ દ્વારા આ માટીના ગરબાનું ખૂબ જ સરસ ઉપયોગ શરૂ કર્યો છે. આમ તો જેતપુરના લોકોના મકાન માટે કડિયા કામ અને બાંધકામનું કામ કરતા લોકોએ ચકલીને ઘર બાંધી આપવાનું નક્કી કર્યું છે. આ ગ્રૂપે વિસર્જિત કરવાના ગરબાને ખાસ રીતે તૈયાર કરીને ચકલી માટે માળો બનાવી રહ્યાં છે.
આ ગ્રુપના જગદીશભાઈ ચાવડા, રાજુભાઈ બગથરીયા મિત્રો દશેરા આવે એટલે બીજા દિવસથી મંદિરે મંદિરે અને જે જગ્યાએ નવરાત્રિના માટીના ગરબાનું વિસર્જન કરવામાં આવે છે ત્યાં જઈને માટીના ગરબાને એકઠા કરે છે. પછી તેમાં ખાસ રીતે ચકલીને આવવા અને જવા માટે દરવાજો બનાવી આપે અને માથે લોખંડના તાર બાંધીને તેને માળો બનાવાય છે. આ માળાને વૃક્ષો પર તથા છત પર લટકાવવામાં આવે છે. આમ એક માટીના ગરબાને ચકલીના માળામાં ફેરવી નાંખે છે. આ માળો લોકોને નિઃશુલ્ક આરવામાં આવે છે. આ વર્ષે માત્ર 4 દિવસમાં 750 જેટલા ગરબાને ચકલીના માળામાં ફેરવ્યા છે અને લોકોને ઘરે ઘરે પહોંચાડ્યા છે.
નવરાત્રિના વિસર્જન કરવાના માટીના ગરબામાંથી ચકલી માટે માળા બનાવવાનો વિચાર પણ આ ગ્રુપના રાજુભાઈને આવ્યો હતો. લુપ્ત થતી ચકલીઓનુ રક્ષણ કરવુ જોઈએ. આ માટે તેમને સોશિયલ મીડિયામાં અનેક મેસેજ જોયા હતા. એક દિવસે તેમના ઘરની ઓસરીમાં જ એક ચકલીનું બચ્ચું નાના માળામાંથી નીચે પડીને મૃત્યુ પામ્યુ હતું. ત્યારે રાજુભાઈને ચકલી માટે કંઈક કરવું માટે વિચાર આવ્યો હતો. તેના માટે તેઓએ નવરાત્રિના માટીના ગરબાને પસંદ કર્યા. કારણ કે તેમાં ઉપર ઢાંકણું હોય છે. જેથી ચારે તરફથી ચકલીને રક્ષણ મળે. આવા માટીના ગરબાના માળા બનાવીને તેવો ઘરે ઘરે તો પહોંચાડે છે. હવે તેઓ સેવાકીય સંસ્થાઓ અને લોકોને પણ અપીલ કરી રહ્યાં છે કે આવતી નવરાત્રિમાં તેઓ ગરબાનો સદુપયોગ કરે અને ચકલીઓને સુરક્ષિત ઘર આપે.
લોકોને ઘર બનાવી આપતા આ લોકોએ હવે લુપ્ત થતી ચકલીને ઘર આપીને લોકોને સંદેશ આપી રહ્યાં છે કે, તમે ઈચ્છો તો તમે પણ પ્રકૃતિ માટે કંઈક કરી શકો છો. જો દરેક વ્યક્તિ આ સંદેશનો થોડો પણ અમલ કરે તો લુપ્ત થતી ચકલીને સુરક્ષિત કરી શકાય છે.