એક ભોળા ગુજરાતીએ લાખો રૂપિયાના ખર્ચે બનાવ્યુ એવુ પક્ષી ઘર, કે કરોડોના બંગલાને પણ ટક્કર મારે

Fri, 31 Dec 2021-9:36 am,

જેતપુર (jetpur)  તાલુકાના નવી સાંકળી ગામે રહેતા ભગવાનજીભાઈ રૂપાપરાએ એક ઉદારણીય કામ કર્યું છે. તેમની દયાવાન કામગીરી જોઈને આફરીન પોકારી જશો. ભગવાનજીભાઈએ તેમના નવી સાંકળી ગામના પાદરમાં શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવ્યું છે. આ પક્ષી ઘર તેમણે 2500 જેટલા પાણી ભરવાના માટલાથી બનાવ્યું છે, અને આ માટલાને જોડવા માટે તેણે ખાસ ગ્લેવેનાઈઝના પાઇપનો ઉપયોગ કર્યો છે. 20 લાખ રૂપિયા ખર્ચીને જાતે મહેનત કરીને તેમણે આ પક્ષી ઘર બનાવ્યું છે. 

500 થી 600 વાર જગ્યામાં બનેલ આ પક્ષી ઘર માટે નવી સાંકળી ગ્રામપંચાયતે જમીન આપી છે. 2500 માટલા સાથે બનાવેલ આ પક્ષી ઘર બનાવવાની પ્રેરણા ભગવાનજીભાઈને ક્યાંથી મળી તે પણ જાણીએ.

ભગવાનજીભાઈનો મુખ્ય ધંધો ખેતીનો છે અને તેવો વર્ષોથી ખેતી કામ કરે છે. જ્યારે જ્યારે તેઓ ખેતરે જાય ત્યારે તેઓને પક્ષીઓ જોઈને પ્રેમ આવતો હતો. પક્ષીઓ કુવામાં અંદર માળા બનાવે અને પછી જ્યારે વરસાદ કે અન્ય આપદા આવે પક્ષીઓ હેરાન થાય છે તેવુ તેમણે જોયું. જેને માટે તેમને ચિંતા થઈ અને આ ચિંતા અને પ્રેમનું પરિણામ આવ્યું એક અદભુત પક્ષી ઘર.

શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવવાનું કારણ એ છે કે ભગવાનજીભાઈ પોતે શિવજીના ભક્ત છે. ગામના લોકોને દૂરથી શિવજીના મંદિર અને શિવલિંગ આકારના આ પક્ષી ઘરના દર્શન થાય તેવુ તેઓ ઈચ્છતા હતા. પક્ષી ઘરમાં ભગવાન શિવનું મંદિર પણ બનાવાયુ છે. આસપાસ પક્ષીઓ માટે ખાસ ચબુતરો સાથે પીવાના પાણીના કુંડના પણ બનવાયા છે.

20 લાખ રૂપિયાનો ખર્ચ તેમણે પક્ષી ઘર બનાવવા માટે કર્યો ત્યારે તેના ઘરના લોકોએ સાથે આપ્યો અને ગ્રામપંચાયતે જમીન આપીને મદદ પણ કરી. જેથી ભગવાનજીનું પક્ષી ઘરનું સપનુ સાકાર થયું. 

ભગવાનજીભાઈએ બનાવેલ આ પક્ષી ઘર જોવા માટે બહારગામથી લોકો આવે છે અને જોઈને અદભુત અનુભૂતિ કરે છે. આખા ભારતમાં ક્યાંય ન જોયુ હોય તેવુ આ પક્ષી ઘર જોઈને લોકો આફરીન પોકારી જાય છે. તેમના માટે આ મુલાકત યાદગાર બની જાય છે. 

શહેરીકરણને લઈને પક્ષીઓની પ્રજાતિ જોખમમાં મૂકાઈ છે. ત્યારે તેમનુ રક્ષણ કરવાનો આ પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે અને દરેકે પ્રેરણા લઈને પક્ષીઓ માટે કંઈક કરે તે જરૂરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link