એક ઈન્જેક્શનના કારણે મહિલા ગર્ભવતી થઈ ગઈ, કપલને મળ્યા 74 કરોડ રૂપિયા
Seattletimes.comના રિપોર્ટ મુજબ યેસેનિયા પચેકો નામની મહિલા એક કમ્યુનિટી ક્લિનિકમાં બર્થ કંટ્રોલ ઈન્જેક્શન મૂકાવવા માટે ગઈ હતી. પરંતુ નર્સે ભૂલથી તેને ફ્લૂ શોટ લગાવી દીધો.
ખોટા ઈન્જેક્શન બાદ કપલને વિકલાંગ બાળકી પેદા થઈ. પછી તો મામલો કોર્ટમાં પહોંચ્યો. જજે ગત અઠવાડિયે બાળકી માટે 55 કરોડ રૂપિયા, જ્યારે કપલના નુકસાનની ભરપાઈ માટે 18 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.
ન્યાય માટે આ કપલે લગભગ 8 વર્ષ સુધી કોર્ટમાં લડત લડવી પડી.
જજે કહ્યું કે બાળકીની સારવાર, અભ્યાસ અને અન્ય ખર્ચા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે યેસેનિયા પચેકો માતા બનવા જ નહતી માંગતી આથી તે બર્થ કંટ્રોલનું ઈન્જેક્શન મૂકાવવા હોસ્પિટલ ગઈ હતી. પરંતુ નર્સની બેદરકારી અને ખોટા ઈન્જેક્શનના કારણે તે પ્રેગનેન્ટ થઈ ગઈ.
આ કેસમાં અમેરિકાની ફેડરલ સરકારને ભૂલ માટે જવાબદાર ગણવામાં આવી છે. કારણ કે મહિલાએ સરકારી ક્લિનિકમાં ઈન્જેક્શન મૂકાવ્યું હતું.
કપલના વકીલ માઈક મેક્સવેલ અને સ્ટીવ અલ્વારેઝે કહ્યું કે આ લડત 8 વર્ષ ચાલી કારણ કે સરકારે નર્સની ભૂલની જવાબદારી લેવાની ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યું કે બાળકીના જન્મના ત્રણ વર્ષ બાદ 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો.
રિપોર્ટ મુજબ યેસેનિયા પચેકો 16 વર્ષની ઉંમરે એક રેફ્યુજી તરીકે અમેરિકા આવી હતી. ઘટના સમયે તે બે બાળકોની માતા હતી અને પરિવાર આગળ વધારવા ઈચ્છતી નહતી. આથી તે ઈન્જેકશન મૂકાવવા આવી હતી. પરંતુ નર્સે પચેકોનો ચાર્ટ જોયા વગર જ ફ્લુની રસી આપી દીધી.