ગુજરાતમાં મેઘરાજાએ પ્રથમ ઈનિંગમાં જ બોલાવી સટાસટી, જાણો ક્યાં કેવો પડ્યો ભારેથી અતિભારે વરસાદ?

Sun, 25 Jun 2023-9:19 pm,

શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું જ્યાં બપોર બાદ પ્રથમ ધીમીધારે શરૂ થયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં અને તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી, પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ભાવનગર જીલ્લામાં ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવી મોટાભાગના ધરતીપુત્રોએ વાવણી કરી દીધી હતી અને સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા હતા, જેથી સારો વરસાદ થતાં ધરતીપુત્રો પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા, જયારે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ગૌરીશંકર સરોવરમાં પણ સ્ત્રાવ વિસ્તાર માં સારો વરસાદ થતાં નવા નીરની આવક થઈ હતી, ગૌરીશંકર સરોવરમાં નવા નીર ની આવક થતાં લોકો જોવા ઉમટ્યા હતા.

મેઘરાજાની સત્તાવાર રીતે પધરામણી થઈ ગઈ છે. મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે અરવલ્લી, અમરેલી, રાજકોટ અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. અરવલ્લીમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ છે. મોડાસા, મેઘરજ, માલપુર, ભૂંજરી, લીમોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. સજ્જનપુર કંપા અને ગોવિંદપુરામાં પણ વરસાદ વરસ્યો. અરવલ્લીમાં ભારે વરસાદથી મોડાસા-શામળાજી હાઈવે પર પાણી ભરાયા. બાજકોટ માર્કેટ નજીક પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

અમરેલી શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું. સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો. સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસ્યો. મોટા ભામોદ્રા, ઠવી, વીરડી અને નાળ સહિતના વિસ્તરમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.

તો રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ઉપલેટા, ખાખી જાળિયા, વાડલા અને સેવંત્રામાં વરસાદ વરસ્યો. ભારે ગરમી પછી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બોટાદના લાઠીદડ ગામે ધોધમાર વરસાદ પડતાં ચેકડેમ છલકાયા. લાઠીદડ ગામ અને ઉપરવાસમાં પડેલા સાંબેલાધાર વરસાદથી ચેકડેમમાં નવા નીર આવ્યા છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છે.

બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. બોટાદ પંથકમાં વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. બોટાદ શહેર અને જિલ્લાના રાણપુર, લાઠીદડ, સમઢીયાળા કારીયાણી, સેથલી અને સાળંગપુરમાં વરસાદ વરસ્યો. લાઠીદડ ગામે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી-પાણી થયા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. ચોમાસાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છે. તો અરવલ્લીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. મોડાસા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગાજણ અને મરડિયા સહિતના વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. વાવણી કર્યા પછી મેઘમહેર થતા પાકને ફાયદો થશે. 

2 જુલાઈ સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થશે...ચોમાસા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે...ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડશે. તારીખ-26,27,28,29 અને 30 જૂને વરસાદની ગતિ વધશે. સારા વરસાદથી નદી અને તળાવમાં નવા નીર આવશે. તો 8 જુલાઈ પછી વરસાદ ઓછો થશે. ઉલ્લેખનીય છે કે હાલના વરસાદથી ખેતરમાં પાણી ભરાવવાની શક્યતા છે. જેથી વાવણી કરનાર ખેડૂતોએ સાવચેત રહેવું પડશે.

રાજકોટમાં ગોંડલ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. બપોર પછી ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા બફારાથી રાહત મળી. ભારે વરસાદથી રસ્તા પાણી-પાણી થયા. સુલતાનપુર, ભોજપરા અને બિલીયાળામાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સિહોર અને પાલીતાણાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા. પાલીતાણાના માલપર, મોખડકા, ટોડી તેમજ સિહોરના સોનગઢ, પીપરલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી.

બોટાદ જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસાદ ગઢડા તાલુકાની પાડલિયો નદીમાં ઘોડાપુર આવ્યું. હામાપર ગામે પાણીનો પ્રવાહ હોવા છતાં નદી પાર કરતા બે લોકો તણાયા. ગામ લોકોએ બાઈક ચાલકોને બચાવી લીધા. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાઈક તણાઈ ગયું. ભીમડાદ, રાજપરા, ખાખુઈ સહિતના ગામોમાં વરસાદ થતા હામાપર ગામની પાડલીયો નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો બરવાળાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બરવાળા તાલુકાના ગુદા ગામે ધોધમાર વરસાદ પડતાં ગામમાં પાણી ભરાયા. ગુડા, રોજીદ, રામપરા, બેલા અને કુંડળ સહિતના ગામમાં સારો વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link