યુદ્ધના ધોરણે ચાલી રહેલી તૈયારી બાદ હાલ આવુ દેખાય છે હાલ મોટેરા સ્ટેડિયમ, see inside photos
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં મોદી-ટ્રમ્પના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. L&T ને સોંપવામાં આવેલી કામગીરી 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવા આદેશ કરાય છે. મોટેરાના પૂન:નિર્માણની રૂપિયા 700 કરોડના ખર્ચે L&T ને કામગીરી સોંપવામાં આવી હતી. સ્ટેડિયમમાં જરૂરી તમામ ખુરશીઓ પણ લગાવવાનું કામ 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. વર્ષ 2017થી L&T દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મોટેરા સ્ટેડિયમમાં હેરિટેજ થીમ પર ક્લબ હાઉસ બનાવવામાં આવ્યું છે. કલબ હાઉસમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, કેરમ, પુલ ટેબલ અને સ્નુકરની વ્યવસ્થા છે. સ્ટેડિયમ કેમ્પસમાં પ્રેકટિસ ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. હાઈટેક ટેકનોલોજીથી સજ્જ મીડિયા સેન્ટર, પેવેલિયન, કોમેન્ટ્રી બોક્સ, કોન્ફરન્સ રૂમ, બોર્ડ અને મીટીંગ રૂમ, મિની થિયેટર, ખેલાડીઓ માટે રેસ્ટ રૂમ, જિમ, ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ, સ્ટેડિયમની ઓફિસ, વીવીઆઈપી રૂમ બધુ જ હાઈટેક છે. વ્હાઈટ એલઈડીથી સ્ટેડિયમ સજ્જ હશે, જેથી ખેલાડીઓને ગરમી ન લાગે અને ગ્રાઉન્ડમાં કોઈપણ પ્રકારનો પડછાયો ન આવે, એ પ્રકારની લાઈટ લગાવવામાં આવી છે.
સ્ટેડિયમમાં અત્યાધુનિક મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં આવી છે. હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સ્ટેડિયમના ખૂણે ખૂણા પર બાજ નજર રાખવામા આવશે. સિક્યોરિટી કંટ્રોલ રૂમથી સ્ટેડિયમના ખૂણે ખૂણા પર નજર રખાશે. સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ઈતિહાસની ઝાંખી અને દુનિયાભરના ક્રિકેટના મહાન ખેલાડીઓના ઓટોગ્રાફવાળા ફોટોની વોલવાળું પોડિયમ હશે.
અમેરિકન રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેદ્ર મોદી પણ ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના હોઈ બંન્ને મહાનુભાવોની સુરક્ષામાં કોઈ ચૂક ના રહે તેના માટે શહેર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સર્ચમાં લાગી ચુકી છે. ....બીજી તરફ મોટેરા સ્ટેડિયમના આજુબાજુના રોડ અને રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. તો પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વીવીઆઈપી સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સડક માર્ગે આવશે કે હવાઈ માર્ગે તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કર્યા બાદ ફાઈનલ થશે. પરંતુ સ્ટેડિયમ અને ગાંધી આશ્રમને જોડતા તમામ રોડ રસ્તાનું બ્યુટીફિકેશન અને લાઈટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ સ્ટેડિયમમાં ગેટથી લઈ અંદરની બાજુએ પૂર જોરશોરથી કામગીરી કરી આખરી ઓપ આપાઈ રહ્યો છે.
અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. વિશ્વ કક્ષાનું સ્ટેડીયમ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા GCAને કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2015માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તોડીને નવું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ બનાવવાની જવાબદારી રૂપિયા 700 કરોડના ખર્ચે લાર્સન એન્ડ ટર્બો(L&T) ને સોંપવામાં આવી હતી. L&T એ નવીનીકરણની શરૂઆત માર્ચ 2017થી કરી હતી. નવા બની રહેલા મોટેરા સ્ટેડિયમની ખાસિયતોની વાત કરીએ તો મોટેરા ક્રિકેટ સ્ટેડીયમમાં 1,10,000 દર્શકો એક સાથે બેસીને મેચ નિહાળી શકશે.
પ્રેસિડેન્શિયલ શૂટ સહીત મોટેરા સ્ટેડીયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. આ કોર્પોરેટ બોક્સને અલાયદી વ્યવસ્થાઓ સાથે સજ્જ કરાયા છે. તમામ કોર્પોરેટ બોક્સમાં ખાવાપીવાની વ્યવસ્થા, વોશરૂમ, સોફાસેટ, ટીવી અને સાથે 20થી 25 જેટલા લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. ખેલાડીઓના ડ્રેસિંગરૂમની વાત કરીએ તો 20 જેટલા ખેલાડીઓ એક સાથે પોતાની કીટ મૂકી શકે તેવી વ્યવસ્થા સાથે 4 જેટલા તમામ સુવિધાઓથી સજ્જ ડ્રેસિંગરૂમ તૈયાર થઈ રહ્યા છે. પિલ્લરલેસ સ્ટ્રક્ચર હોવાથી સમગ્ર સ્ટેડિયમમાં ક્યાંય પિલ્લર જોવા મળતા નથી. જેના કારણે મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના મેચ જોઈ શકાશે. મેદાનમાં લાઈટ થાંભલાઓના સહારે નહિ, પરંતુ સ્ટેડિયમ પર લગાવેલા શેડ પર લગાવવામાં આવી છે. આ મેદાનના નિર્માણ માટે એક સમયે 3000 લોકો કામ કરી રહ્યા હતા. તેમજ 6 જેટલી મોટા ક્રેનની મદદ લેવાઈ રહી હતી. એક ક્રેનનું એક દિવસનું ભાડું જ માત્ર રૂપિયા 2 લાખ ચૂકવાયુ છે. ત્યારે હવે સ્ટ્રક્ચર તૈયાર થયા બાદ મેદાનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.