Photos: ઈશા અંબાણીના લગ્નમાં શાહરૂખ-સુનિલ ફરી લાવ્યા ધોતી સ્ટાઈલ
ઈશાના લગ્નમાં દરેક સેલિબ્રિટી મોંઘાવાળા ડ્રેસિસ પહેરીને આવ્યા હતા. તેમાં પણ મહિલા સેલિબ્રિટીઝની તસવીરો મીડિયામાં છવાયેલી હતી. માનવામાં ન આવતું હોય તો ઈશાના લગ્નની બંનેની આ તસવીરો જોઈ લો. શાહરૂખ અને સુનીલે ઈશાના લગ્નમાં ધોતીની ફેશન રિવાઈવ કરી હતી. બંનેએ ધોતી સાથે અચકણ પહેર્યા હતા. સુનીલે ક્લાસી બ્લેક અચકણ પહેર્યું હતું જ્યારે SRKએ ગોલ્ડન બટનવાળુ એટ્રેક્ટિવ અચકણ પહેર્યું હતું.
માનો ન માનો. પણ ધોતી એ સૌથી કમ્ફર્ટેબલ અને શાહી લૂક આપતુ આઉટફિટ છે. ખાસ કરીને સેલેબ્સ આવા ડ્રેસિસ પહેરે પછી તે સામાન્ય લોકોમાં પણ ખાસ્સા ચલણમાં આવતા હોય છે. ઈશા અંબાણીના લગ્નમાં અનેક સ્ટાર્સના ડ્રેસિસે આકર્ષણ જમાવ્યું હતું. પણ સૌથી વધુ ધ્યાન શાહરૂખ અને સુનિલ શેટ્ટીની ધોતી પર ગયું હતું. એક સમયે ધોતી ભારતીય પુરુષોનો પહેરવેશ હતો. જેના બાદ તે આઉટડેટેડ ફેશન બની ગઈ હતી. હવે તો ગણતરીના લોકો તેમજ રાજકારણીઓ ધોતી પહેરેલા દેખાય છે. ત્યારે હવે આ ફેશન ફરીથી આવી ગઈ હોય તેવું ઈશા અંબાણીના લગ્નમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું છે.
ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ધોતી સ્ટાઈલ વિવિધ રંગોમાં સમેટાયેલી છે. ધોતીને ભારતના અલગ અલગ ભાગોમાં બાંધવાની અલગ અલગ પદ્ધતિ વિકસીત છે, અને ધોતી પહેરવાના અંદાજથી જ સમજી શકાય છે કે તે બંગાળી છે, બિહારી છે કે પછી ઉડીયા. દક્ષિણમાં ધોતીને ગોળ પહેરવાનો રિવાજ છે, જે આજે પણ યથાવત છે.
ભારતમાં કપાસની ખેતી અને તેનાથી વસ્ત્રો બનાવવાનો રિવાજ હજારો વર્ષો જૂનો છે. અને તેના પ્રમાણ મળે છે પ્રાચીન ભારતીય રિવાજના આ વસ્ત્રથી, જેનાથી શરીર ઢાંકવામાં આવતુ હતુ. બાદમાં સમાજ જાતિ બધુ બદલાયું, પણ ધોતી બધાની જ જરૂરિયાત બની રહી. આજના સમયમાં ભલે ધોતી માત્ર ગોરપદુ કરનારા બ્રાહ્મણોમાં પહેરવાની રહી ગઈ છે. પરંતુ તેનો ઈતિહાસ અનોખો છે. ગાંધીજીએ પણ અંગ્રેજોની લડાઈમાં સૂટબૂટ ત્યાગીને ધોતી અપનાવી હતી. બ્રિટિશ કાળમાં લોકો ઉપર કોટ અને નીચે ધોતી પહેરતા હતા. જોકે, હવે તો તે કર્મકાંડ કરતા સમયે જ પહેરતી જોવામાં આવે છે. પૂજામાં ધોતી પહેરવી એટલે આવશ્યક ગણાય છે કે, પૂજા સમયે લાંબા સમય સુધી બેસવુ પડે છે, અને ધોતી પહેરવાથી સરળતાથી બેસી શકાય છે. પરંતુ ધોતી પહેરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. શરીરના રોમ છિદ્રોમાથી આપણને શુદ્ધ પ્રાણવાયુ મળે છે. ટાઈટ કપડા ન માત્ર આપણને તેમાં સમસ્યા પેદા કરે છે, પરંતુ રક્ત પ્રવાહ પર પણ ખરાબ અસર પાડે છે. તેથી સ્વાસ્થયના હેતુથી ધોતી પહેરવી લાભદાયક છે.