Photos : મંદિર-દરગાહની એક જ દિવાલ, હિન્દુ-મુસ્લિમો કહે છે, ‘અમારા હૃદયમાં કોઇ દિવાલ નથી’
નવસારીના જુનાથાણા ખાતે રામજી મંદિર વિસ્તારમાં અંદાજે 100 વર્ષથી વધુ સમયથી હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની દરગાહ આવેલી છે. અહીં મુસ્લિમો મે મહિનામાં 15 રજબના દિવસે બંને બાવાઓનો ઉર્ષ ધામધૂમથી ઉજવે છે. જેમાં વિસ્તારના હિન્દુઓ પણ શ્રદ્ધાથી ઇબાદતમાં જોડાય છે. દરગાહ નજીક જ વિસ્તારના લોકો છેલ્લા 43 વર્ષોથી ગણેશોત્સવ ઉજવે છે. જેમાં વિવિધ ધાર્મિક ડેકોરેશન કરવામાં આવે છે. વર્ષ 1996માં અહીં શનિ શિંગણાપુરનું દૃશ્ય ઉભું કરાયું હતું. જેમાં શ્રી શનિદેવ મહારાજની પ્રતિમા પત્થરમાંથી બનાવવામાં આવી હતી. ગણેશોત્સવ બાદ સ્થાનિકોએ શ્રી શનિદેવ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને દરગાહની પાછળ આવેલા ઉંબરાના ઝાડ નીચે શ્રી શનિદેવ મહારાજની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિસ્થા કારાઈ હતી. શનિ મંદિર બનતા જ દરગાહ અને મંદિરની દિવાલ એક જ બની. પણ આ ઘટનાને પગલે અહીં હિન્દુ મુસ્લિમોમા ભાઈચારાની ભાવના પ્રબળ જોવા મળી. મંદિરના સંચાલકો કહે છે ભલે મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ છે, પરંતુ અમારા હૃદયમાં કોઇ દિવાલ નથી અને અમે પ્રેમ અને ભાઇચારાથી આજે પણ બંને ધર્મસ્થાનોના પ્રસંગો ઉત્સાહ અને શ્રધ્ધાથી ઉજવીએ છીએ.
શનિમંદિરના પ્રમુખ કાલિદાસ પટેલ કહે છે કે, શ્રી શનિ મંદિરમાં શનિવાર અને આમાસ સાથે પાટોત્સવ, શનિ જયંતિ અને રામનવમીના તહેવારો ધામધૂમથી ઉજવાય છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટી પડે છે. શનિ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ શ્રી શનિ દેવાની આરાધના સાથે હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની ઈબાદત પણ કરતા નજરે ચઢે છે.
અહીં એક વિશેષતા એ પણ જોવા મળી કે દરગાહમા સળગતી લાઈટનો પાવર શનિ મંદિરમાંથી મળે છે અને પાણી માટે પણ મંદિરના નળનો ઉપયોગ થાય છે. દરગાહ પર ઇબાદત માટે આવતા શ્રધ્ધાળુઓ ગત રોજ અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રિમ કોર્ટના ચુકાદાને ભલે હિન્દુઓની જીત હોય, પણ આ અમારી જીત છે, જમીન કરતા અહિંની હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાની જીત હોવાનું જણાવી રહ્યા છે.
તો બીજી તરફ, મુસ્લિમ શ્રદ્ધાળુ હનીફ મુન્શી જણાવે છે કે, દિવસેને દિવસે જ્યા શ્રી શનિદેવ મંદિર નવસારી સહિત આસપાસના ગામોમાં શ્રધ્ધાનો પર્યાય બની રહ્યું છે, ત્યાં શ્રદ્ધાળુઓને બંને બાવાઓની દરગાહનો પણ અલૌકિક અનુભવ થાય છે. લોકો શનિ મહારાજ સાથે હજરત રોશનશાહ બાવા અને હજરત ડોસન જલાલ બાવાની ઈબાદત પણ એટલી જ શ્રદ્ધાથી કરે છે.