Shravan 2022 : આ પહાડી પર શિવજી કૈલાસમાંથી સ્વંયભૂ પધાર્યા હતા, અહીં થયુ હતું શિવ-પાર્વતીનું મિલન
પુરાણોમાં લખાયુ છે કે... જુનાગઢ ભવનાથ મહાદેવના મંદિર નો અનેરો મહિમા છે. શિવજી કેલાસમાંથી અહીં સ્વયંભૂ પધાર્યા હતા. ગિરનારની તળેટીમાં આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી. પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા.
વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા. નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા માતા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયા હતા. આમ રીતે પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું.
શિવ ભક્ત ચેતન મહારાજ કહે છે કે, આ સ્થળનું શિવજી સાથે સીધુ જોડાણ હોવાથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા ભવનાથ મંદિરમાં ભોળાનાથના દર્શન કરવા આવે છે. અહીં શિશ ઝૂકાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે.
એવું કહેવાય છે કે ગરવા ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. આ સ્થળનો ઉલ્લેખ 5000 વર્ષો પહેલા પણ છે. કહેવાય છે કે, ભવનાથ મંદિરમાં જે મોટું શિવલિંગ છે તેની સ્થાપના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ કરી હતી. અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપ કર્યુ હતું.