PHOTOS: પતિ-પત્નીએ લગ્ન સમયે એકબીજાને આપેલું વચન નિભાવ્યું, એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર
બુધવારે જ્યારે એક જ ઘરમાંથી બંનેની અર્થી સાથે નીકળી તો બધાની આંખો ભીની થઈ ગઈ. એક જ ચિતા પર બંનેને મુખાગ્નિ અપાઈ.
કુશમી તહસીલના ગેવટા પંચાયતના દેવરી નિવાસી અજય પનિકા (રાહુલ) અને તેની પત્ની તપસ્યા સિધીમાં એક રૂમ લઈને રહેતા હતા. રાહુલ પત્નીના અભ્યાસ અંગે ખુબ ગંભીર હતો અને પત્નીને ભણાવી ગણાવીને કઈક બનાવવા માંગતો હતો. બંને સિધીમાં રહીને કમલા કોલેજમાં અભ્યાસ કરતા હતા. તપસ્યા બીએડનો કોર્સ પણ કરતી હતી અને પતિ સાથે એએનએમની પરીક્ષા આપવા માટે સતના જઈ રહી હતી. ત્યારે જ બસ નહેરમાં ખાબકી અને બંને અકસ્માતનો ભોગ બન્યા.
બસ અકસ્માતની જાણ થતા જ પરિજનો રડતા કકળતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપસ્યા પનિકાનો મૃતદેહ 3 વાગે મળી ગયો હતો. જ્યારે અજયનો મૃતદેહ 5 વાગે મળ્યો. ત્યારબાદ બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા. જ્યારે બંનેના મૃતદેહ દેવરી ગામ પહોંચ્યા તો આખું ગામ શોકમાં ડૂબી ગયું. એક જ ઘરમાંથી બે અર્થી ઉઠી તો બધાની આંખો ચોધાર આંસુએ રડી પડી.
બુધવારે જ્યારે બંનેને અંતિમ વિદાય અપાઈ તો રાહુલના પિતા અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં. કારણ કે ગુજરાતમાં રહે છે અને સિધી પહોંચવામાં 3 દિવસનો સમય જાય છે. આથી ત્યા સુધી મૃતદેહ રાખી મુકવો યોગ્ય ગણાય નહી. આ જ કારણે બુધવારે સવારે જ અંતિમ સંસ્કાર કરી દેવાયા અને પિતા છેલ્લીવાર પુત્રને જોઈ શક્યા પણ નહીં.
સિધી બસ અકસ્માતમાં જીવ ગુમાવનારી તપસ્યાના પિતાનું સપનું અધૂરું રહી ગયું. તેમણે જણાવ્યું કે 7 મહિના પહેલા પુત્રીના લગ્ન કર્યા હતા. અમે છોકરીને ભણાવી ગણાવીને કઈક બનાવવા માંગતા હતા. પરંતુ હવે તે સપનું તૂટી ગયું. અમારા બધા અરમાન અધૂરા રહી ગયા.
મંગળવારે મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં મુસાફરો ભરેલી બસ બાણસાગર નહેરમાં ખાબકી જતા અત્યાર સુધીમાં 51 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 7 લોકો બચી શક્યા. બસમાં કુલ 60 લોકો સવાર હતા. બસ સિધીથી સતના જઈ રહી હતી. બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હતા જે આરઆરબી એનટીપીસીની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. મુખ્ય હાઈવે પર જામ હોવાના કારણે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને પહોંચવામાં મોડું ન થાય તે માટે ડ્રાઈવરે બીજા રસ્તે બસ વાળી હતી. આ દરમિયાન બસ નહેરમાં ખાબકી.