રણમાં ખીલ્યું ગુલાબ! દુનિયાના આ દેશમાં ચમત્કાર સર્જાઈ ગયો! સદીઓમાં પહેલીવાર સાઉદીમાં આવું થયું
રણ એટલે સૂંકો પ્રદેશ. જ્યાં દૂર દૂર સુધી પાણીનું ટીપુ પણ નહીં. જ્યાં દૂર દૂર સુધી એક વૃક્ષ પણ નહીં.. જ્યાં ક્યારેય વરસાદની કે બરફ પડવાની અપેક્ષા જ નહીં. પરંતુ, આ દ્રશ્યો કંઈક બીજી જ હકીકત કહી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ.. આ દ્રશ્યો જોઈને તમે પણ કહેશો, અહો આશ્ચર્યમ. સૂકાભટ્ટ ગણાતા રણ પ્રદેશમાં આખરે આવા દ્રશ્યો કેમ જોવા મળ્યા..? શું રણમાં પણ ક્યારેય બરફ વર્ષા થાય ખરા..?
આમ તો, સાઉદી અરેબિયા સામાન્ય રીતે તેની તીવ્ર ગરમી અને વિશાળ રણ માટે જાણીતું છે, પરંતુ હવે એક અનોખી ઘટના સામે આવી છે.. અલ-જૌફ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાએ સૌને ચોંકાવી દીધા છે.. રણમાં હિમવર્ષાની આ ઘટના માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય બની રહી છે.. તમને જણાવી દઈએ કે રણમાં હિમવર્ષા એ એક અસાધારણ ઘટના છે..
અલ-જૌફમાં હિમવર્ષા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ-જૌફ વિસ્તારમાં ગયા બુધવારથી ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાને કારણે રણમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની હિમવર્ષા પહેલા ક્યારેય જોવા મળી નથી. આ હિમવર્ષા અને ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થયો છે.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ પ્રતિક્રિયાઓ સામે આવી છે.. કેટલાક લોકો માને છે કે આ વિશ્વના અંતની નિશાની છે.. કેટલાક લોકો માને છે કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવું થઈ રહ્યું છે. અલ-જૌફ પ્રાંતનું મહત્વ સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં સ્થિત અલ-જૌફ પ્રાંત તેના રણ વિસ્તાર, ઊંચા પર્વતો અને ઐતિહાસિક વારસા માટે જાણીતો છે.. અલ-જૌફની રાજધાની સક્કાહ છે.. અહીંનું હવામાન સામાન્ય રીતે ખૂબ ગરમ હોય છે, પરંતુ તાજેતરના સમયમાં હિમવર્ષા અને ભારે વરસાદે આ પ્રદેશના હવામાનમાં મોટો ફેરફાર કર્યો છે.
અલ-જૌફ માત્ર સાઉદી અરેબિયાના કૃષિ ક્ષેત્ર માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેના ખજૂરના બગીચા અને અન્ય કૃષિ ઉત્પાદનો દેશભરમાં પ્રખ્યાત છે. આ પ્રદેશ સદીઓથી પ્રાચીન વેપાર માર્ગોનો એક મહત્વનો ભાગ રહ્યો છે. અને તે અસંખ્ય ઐતિહાસિક સ્થળો અને કિલ્લાઓનું ઘર છે જે પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસની વાત કરે છે.
ગયા અઠવાડિયે વરસાદ શરૂ થયો હતો અલ-જૌફના કેટલાક ભાગોમાં ગયા બુધવારે ભારે વરસાદ અને કરા પડ્યા હતા.. આ પછી ઉત્તરીય બોર્ડર, રિયાધ અને મક્કા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.. તાબુક અને અલ બહાહ વિસ્તારો પણ હવામાનમાં આવેલા આ ફેરફારથી પ્રભાવિત થયા હતા.. આ પછી સોમવારે અલ-જુફના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી.. અહીં પડતી બરફની તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
સાઉદી અરેબિયામાં હિમવર્ષા દુર્લભ છે, પરંતુ દેશનું વાતાવરણ વર્ષોથી બદલાઈ રહ્યું છે.. થોડા વર્ષો પહેલા સળગતા સહારાના રણમાં તાપમાનમાં નાટ્યાત્મક ઘટાડો થયો હતો અને તે -2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. આ માટે ક્લાઈમેટ ચેન્જની વ્યાપક અસરોને જવાબદાર ગણવામાં આવે છે. પશ્ચિમ એશિયા એ આબોહવા-સંબંધિત અસરો માટે સૌથી સંવેદનશીલ પ્રદેશોમાંનો એક છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, બદલાતા વાતાવરણના કારણે રણમાં હિમવર્ષા જેવી અસામાન્ય ઘટનાઓ પણ બની રહી છે. આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ભારે વરસાદના અભૂતપૂર્વ સમયગાળા પછી ગંભીર પૂરનો સામનો કરવો પડ્યો હતો. દુબઈએ પણ આવા જ પૂરનો સામનો કર્યો હતો, જે પ્રદેશ માટે નવો અનુભવ હતો.