ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવની ઇ-પૂજા: વીડિયો રિલ્સને મળે છે 1 કરોડથી વધુ લોકોની વિક્રમજનક રીચ

Sun, 21 Aug 2022-4:33 pm,

ભકતો ને ઘરે બેઠા એમના સોશિયલ મીડિયા એપ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી સોમનાથ મહાદેવના પ્રાતઃ,મધ્યાહ્ન અને સાયમ શૃંગારના દર્શન નિયમિત રીતે મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે ભક્તોનો અદભુત સત્કાર મળ્યો અને ભક્તોએ પ્રભાસ તીર્થના અન્ય દેવસ્થાનોના દર્શન અપલોડ કરવા પણ અનુરોધ કરાતા ટ્રસ્ટ દ્વારા શ્રી રામ મંદિર, ભાલકા મંદિર, ગોલોક ધામ ના દર્શન પણ નિયમિત રૂપે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે.  

કોરોના કાળમાં જ્યારે પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર દેશમાં લોકડાઉન થયું ત્યારે કરોડો ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરાવીને ટ્રસ્ટ દ્વારા સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, સહિત 7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પર આ દર્શન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.

વર્ષ 2021માં સોમનાથના સોશ્યલ મીડિયા પર 45 થી વધુ દેશોના 77.79 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ પણ સોશ્યલ મીડિયા પર દર્શનાર્થીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો નોંધાયો છે. ગત જુલાઇ 2022 માં સોમનાથ મંદિરના વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ પર કુલ 9.68 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વિશ્વના 45 થી વધુ દેશોમાં ભકતો દૈનિક રીતે સોશ્યલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરે છે. 

યુવા પેઢીની ભક્તિમાં સુદ્રઢ કરવા યુવાઓમાં પ્રચલિત રીલ્સ વિડિયો મારફત પણ સોમનાથ મંદિર દરેક યુવાનો માં શ્રદ્ધા કેન્દ્ર બન્યું છે. પ્રતિ દિવસ સોમનાથ મંદિરની રિલ્સ અને વોટ્સેપ સ્ટેટસ વિશાળ જન સમૂહ સુધી પહોંચે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગની રિલ્સ વીડિયો એક કરોડથી વધુ ભાવિકો સુધી પહોંચી છે. જે એક વિક્રમ જનક સિદ્ધિ કહી શકાય.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોશ્યલ મીડિયાનો ભક્તિ કાર્યમાં બહુપરિમાણવીય ઉપયોગ કરવામાં આવે છે. ભક્તોને ઘરે બેઠા દર્શન થઈ શકે એટલું જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખૂણેથી ભક્તો સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અને સંકલ્પ કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઈ-પૂજા નો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. ઝૂમ એપ ના માધ્યમથી અનેક ભક્તો સોમનાથ મહાદેવની પૂજા અને સંકલ્પ ઘરે બેઠા કરી રહ્યા છે. જેની અંદર સોમનાથ ટ્રસ્ટની ચોકસાઈ પૂર્વકની સેવા ને દેશ વિદેશના ભક્તો બિરદાવે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિતના અનેક મહાનુભાવો દ્વારા પણ સોમનાથની ઈ-પૂજાનો લાભ લેવામાં આવ્યો છે.

સોમનાથ ટ્રસ્ટની આઇ.ટી ટીમના માર્ગદર્શન અને પી.આર.ઓ ના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક સાધનોથી સુસજજ ટીમ સોશ્યલ મીડિયાને લગતી તમામ કામગીરી સંભાળે છે. સમયની સાથે આ વ્યવસ્થા અને ઉપકરણો અપડેટ કરવામાં આવતા રહે છે. 2015 ના વર્ષમાં પોઇન્ટ એન્ડ શૂટ કેમેરાથી દર્શન શરૂ કરાયા બાદ સમયની સાથે dslr કેમેરા અને હાલમાં સૌથી આધુનિક એવા મીરરલેસ ટેકનોલોજી વાળા કેમેરાથી પ્રતિદિન સોમનાથનું સોશ્યલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે. 

આ અત્યાધુનિક કીટમાં ફૂલ ફ્રેમ મીરરલેસ કેમેરા, હાઇટેક ગીંબલ, વાયરલેસ માઇક, ટ્રાઈપોડ ફોકસ લાઇટ્સ, ગ્રીન સ્ક્રીન, અત્યાધુનિક લેપટોપ કોમ્પ્યુટર સહિતના તમામ જરૂરી ઉપકરણ વસાવવામાં આવ્યા છે. જેનાથી ભક્તોને સોશ્યલ મીડિયા પર હાઇ ડેફિનેશન ફોટો અને વીડિયો મળે છે. સાથે ભક્તોને ઇ-પૂજા માં ગુણવત્તા યુક્ત અનુભવ મળી રહે તેના માટે નોઇસ કેન્સ્લિંગ માઇક અને કેમેરાની મદદથી અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા હાઈસ્પીડ ઈન્ટરનેટ નો ઉપયોગ કરવામાં આવે છે.

સોમનાથ તીર્થનો સંપુર્ણ ઇતિહાસ, દર્શનીય સ્થળોની વિગત તેમજ અતિથિગૃહોની તમામ માહિતી અને બુકિંગ, ઉપરાંત સોમનાથ મહાદેવના આખો દિવસ સતત લાઈવ દર્શન, ફોટો-વિડીયો ગેલેરી સોમનાથ તીર્થમાં ઉજવાતા તમામ ઉત્સવોની માહિતી અને તેનું જીવંત પ્રસારણ સોમનાથ ટ્રસ્ટની આધુનિક વેબસાઈટ www.somnath.org પર મળી રહે છે. આ વેબસાઈટ ને પણ ટેસ્ટ દ્વારા સતત વિકસિત કરવામાં આવી રહી છે જેથી ભક્તોનો અનુભવ વધુ સરળ અને સુલભ રહે.

આમ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સોશ્યલ મીડિયાને ધાર્મિક આસ્થાનાં વાહક બનાવીને દુનિયાભરના કરોડો ભક્તોને સોમનાથ મહાદેવના દર્શન અને કૃપાપ્રસાદ પહોંચાડવામાં આવે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link