Success Story : ભગવાને કદ ભલે નાનું આપ્યુ, પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો કે રંગોથી આત્મનિર્ભર બની
ઘણા એવા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે દિવ્યાંગ હોવાને લઇ વ્યક્તિ નિરાશ બની જતો હોય છે, તેને એવું મનમાં બંધાઈ જતું હોય છે કે હવે તે જીવનમાં કશું નહીં કરી શકે. પરંતુ સુરતની માત્ર 3 ફૂટની દિવ્યાંગ યુવતીએ જે કરી બતાવ્યું છે તેને સલામ કરવા જેવી છે. તે મક્કમતાથી કહે છે કે, હા હું દિવ્યાંગ છું. પણ જ્યારે ભગવાનમાં શ્રદ્ધા હોય ત્યારે શરીરની નબળાઈ પણ તાકાત બની જાય છે અને મનમાં દ્રઢ સંકલ્પ હોય કોઈપણ કાર્ય અસંભવ નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
સુરતની 27 વર્ષીય યુવતી દિવ્યા પ્રજાપતિ જન્મથી દિવ્યાંગ છે અને માત્ર ત્રણ ફૂટની છે. આટલી સમસ્યા હોવા છતાં તે ખુશમિજાજમાં રહે છે. તેનાં ચહેરાનું હાસ્ય અન્ય લોકોને પ્રેરણા આપે છે. જ્યારે દિવ્યાનો જન્મ થયો ત્યારે ડોક્ટરોએ દિવ્યાના માતા-પિતાને જણાવ્યું હતું કે, તે હાલ શારીરિક રીતે વિકસિત થઇ શકશે નહીં. જેથી તેને ખૂબ ભણાવવામાં આવે. આજે પણ તે ચાલી શકતી નથી. માતા-પિતાએ તેને માટે નાનું વહીલવાળું ટેબલ બનાવી આપ્યું. તેના થકી તે પોતાના ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.
દિવ્યા ધોરણ 12 સુધી ભણી છે. માતા-પિતા તેને ખોળામાં બેસાડીને સ્કૂલ લઈ જતા હતા. શારીરિક અસક્ષમતાને કારણે તેને કોલેજ કરી નથી. નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ હતો. તે કહે છે કે, કોરોનાકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મંત્રથી હું પ્રભાવિત થઈ હતી. હું પોતાને આત્મનિર્ભર કરવા માંગતી હતી. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ થકી પેઇન્ટિંગ શીખી બનાવી રહી છું. તે પોતાના પેઈન્ટિંગ્સને ઓનલાઇનની સાથે ઓફલાઇન પણ વેચીને પરિવારને આર્થિક સહયોગ પુરો પાડે છે. આ ઉપરાંત તેની ઊંચાઇ ૩ ફુટની હોવા છતાં આખા ઘરમાં એ ટેબલ પર જ બેસીને પોતાના તમામ કાર્ય કરવાની સાથે માતાને પણ ઘરકામમાં મદદ કરે છે. દિવ્યા એક આર્ટ ગેલેરી બનાવવા માંગે છે. તેનું કહેવું છે કે જે લોકો દિવ્યાંગ છે અથવા સામાન્ય છે તેઓ પોતાની ઉપર વિશ્વાસ રાખે અને જીવનમાં ક્યારેય પણ હાર નહીં માને.