હત્યારી માતા વિશે આઘાતજનક ખુલાસો, 4 વર્ષના માસૂમ ભૂલકાની આવા કારણસર કઈ માતા હત્યા કરી શકે?
ચાર વર્ષના માસૂમ ભૂલકાને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારનારી આ હત્યારી માતા વિશે એવા એવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે કે જાણીને આઘાત પામશો. ગોવાના એક સર્વિસ એપાર્ટમેન્ટમાં સૂચનાએ પુત્રને મારતા પહેલા એવું કહેવાય છે કે કફ સિરપની બે બોટલ પીવડાવી દીધી. જેથી કરીને તે સૂઈ જાય અને પછી ગળું દબાવીને મારી નાખ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે ક સૂચના તેના પતિ વેંકટ રમનને ખુબ જ નફરત કરતી હતી. આ નફરતે તેને હત્યારી બનાવી દીધી.
બેંગલુરુના એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓ સૂચના શેઠ છાશવારે તેના મિત્રોને કહેતી હતી કે તેના પુત્રનો ચહેરો તેના પિતા સાથે ખુબ મળતો આવે છે. તેનો ચહેરો તેને વારંવાર વેંકટ રમનની યાદ અપાવે છે. ગોવાના એક સર્વિસ એપાર્ટમેન્ટમાં ચાર વર્ષના પુત્રની કથિત રીતે હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલી સૂચના શેઠે પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તેનો પુત્ર તેના પતિ વેંકટ રમન જેવો દેખાતો હતો અને હંમેશા તેને તેમના અલગ થયેલા સંબંધની યાદ અપાવતો હતો.
હત્યાના આ ચોંકાવનારા કેસમાં જેમ જેમ પોલીસ તપાસ ઊંડી થઈ એ પણ જાણવા મળ્યું કે રમને સૂચનાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે તેના પુત્રને મળવા માંગે છે. અત્રે જણાવવાનું કે વેંકટ રમનને કોર્ટ તરફથી એવી મંજૂરી મળી હતી કે તે અઠવાડિયામાં એકવાર તેના પુત્રને વીડિયો કોલ પર વાત કરી શકે છે.
બીજી બાજુ પોલીસ તપાસમાં ગોવા પોલીસને સર્વિસ એપાર્ટમેન્ટમાંથી એક પત્ર પણ મળી આવ્યો છે. જેમાં સૂચના શેઠ રોકાઈ હતી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આ પત્રમાં તેણે માસૂમ બાળક વિશે કેટલીક વાતો લખી છે. લખ્યું છે કે હું મારા પતિને પુત્રને મળવા દેવાનો કોર્ટ ઓર્ડર સહન કરી શકતી નથી. પોલીસે હાલ આ પત્રને કબજામાં લઈને તેને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલી આપ્યો છે. આ પત્ર હાથેથી લખાયેલો છે એટલે હેન્ડરાઈટિંગ એક્સપર્ટ પાસે તેની તપાસ કરાવવામાં આવશે. પોલીસે પણ કહ્યું છે કે દવાની બોટલો મળવાથી એવા સંકેત મળે છે કે આરોપીએ અપરાધ પહેલા બાળકને દવાનો ભારે ડોઝ આપ્યો હશે અને આ આયોજિત હત્યાનો મામલો હોઈ શકે છે.