દારૂ વેચતા તત્વોમાં ફફડાટ: દારૂ મુદ્દે પોલીસે ત્રીજું નેત્ર ખોલ્યું! ઝાડી-ઝાંખરામાં ધમધમતી 6 ભઠ્ઠીઓ ઝડપી
બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા જ સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી જઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો પર ડ્રોનથી બાજ નજર રખાઈ રહી છે. તાપી નદી કિનારે અને ઝાડી ઝાખરામાં, ખાડીના કિનારે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
કામરેજ ડિવિઝનના DYSP બી. કે. વનાર, કામરેજ પોલીસ સ્ટેશનના PI આર.બી. ભટોળ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા છ જેટલી ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હોવાની પણ માહિતી છે. સુરત જિલ્લા પોલીસની કામગીરીને લઈને દારૂ વેચતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના કામરેજ પોલીસ દ્વારા નદીના કિનારે ઝાડી-ઝાખરા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન પોલીસે 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા દેશી દારૂનું દૂષણ સદંતર બંધ ન થાય ત્યાં સુધી ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ જ રહેશે એવું પણ જણાવાયું હતું.
રાજ્યમાં હાલ પોલીસની ટીમો દ્વારા રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં રેડ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ વેચાણ, રસાયણ વેચાણ, દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂના વેચાણના અનેક કેસો કરવામા આવ્યા છે, પરંતુ અમુક એવી જગ્યાએ કાર્યરત દેશી દારૂની ભઠ્ઠીઓ કોઈને ધ્યાન પડતું નથી, ત્યારે આવી ભઠ્ઠીઓ પર રેડ કરવા પોલીસે ડ્રોન ઉડાડી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બોટાદ અને બરવાળામાં થયેલા કેમિકલકાંડમાં 43થી વધુ લોકો ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યાં છે અને હજુ પણ કેટલાક ભોગ બનનાર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. કેમિકલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ કામે લાગી હતી.