અંગદાનની હૃદયદ્રાવક ઘટના : ખસતીયા પરિવારે એકના એક 7 વર્ષના દીકરાના અંગોનું દાન કર્યું
મૂળ મહુવા તાલુકાના વલવાડા ગામના રહેવાસી નિલેશભાઈ ખસતીયા સુરતમાં પોતાના પરિવાર સાથે રહે છે. નિલેશભાઈ બ્રિક્સ મેન્યુફેક્ચરર છે. તેમને સંતાનમાં એક સાત વર્ષનો દીકરો શિવમ ધુળેટીના પર્વ નિમિત્તે ઘરની બાલ્કનીમાં મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે નીચે ફેંકેલ બોલ લેવા જતા શિવમે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને શિવમ પહેલા માળેથી નીચે પટકાયો હતો.
આ બાદ પરિવારજનો શિવમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં શિવમના રિપોર્ટમાં બ્રેઇન હેમરેજ આવતા તેની સર્જરી કરાઈ હતી. જોકે, સર્જરી બાદ 48 કલાક બાદ પણ શિવમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો. જેથી તબીબે શિવમને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.
જેથી સુરતમાં અંગદાન માટે જાણીતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શિવમના પરિવારનો સંપર્ક કરાયો હતો. તેઓએ શિવમના પરિવારજનોને સમજાવ્યું કે, શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે. ત્યારે તેમના અંગો થકી જો ઓર્ગન નિષ્ફળતા દર્દીઓને નવુ જીવન આપવામાં આવે તો આ કાર્ય કરવુ જોઈએ. તેથી પરિવારના સભ્યો શિવમના અંગોનું દાન કરવા માટે સહમત થયા હતા.
આ બાદ ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં શિવમના લીવર અને બંને કિડનીનુ દાન કરાયુ હતું. તેના ઓર્ગન સમયસર સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.
ગયા વર્ષે ગુજરાતમાંથી 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાનનો નિર્ણય લીધો હતો જેના કારણે રાજ્યમાં કુલ 817 લોકોને નવજીવન મળ્યું છે.