ખરો ગોવાળિયો તો આમને કહેવાય, પાળતૂ ગાયોને લઈને રોજ મોર્નિંગ વોક પર નીકળે છે આ સુરતી લાલા
સુરતમાં રહેતા દીપકભાઈ ચોકસી આમ તો જ્વેલર્સ છે. પરંતુ ગાયને માતા તરીકે માને છે. આ જ કારણે તેઓ ઘરમાં ગૌ ઉછેર કરે છે. પોતાના ઘરે પાળેલી ગાયોની તેઓ ખૂબ જ કાળજી લે છે અને મોર્નિંગ માટે તેને સાથે લઈને રોડ પર નીકળતા હોય છે.
ખાસ કરીને અત્યાર સુધી તમે શ્વાન પ્રેમીઓ જોયા હશે, પરંતુ સુરતમાં એક એવી વ્યક્તિ છે જેમને ગૌમાતા સાથે અપાર પ્રેમ છે. તેઓ મોર્નિંગ માટે શ્વાનને નહીં પરંતુ પોતાની સાથે ગૌ માતાને લઈ જાય છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સુરતમાં જ રહેતા દીપકભાઈ ચોક્સી છે. દીપકભાઈ આમ તો સોનાની પરખ રાખે છે અને હીરા ઝવેરાત હાથમાં લઈને તેમને ખબર પડી જાય છે કે તે કેટલો શુદ્ધ છે. પરંતુ તેઓ પ્રાણીઓના પણ પારખુ છે. ગૌ માતા કેટલી મહત્વની છે તેવુ તેઓ સુપેરે જાણે છે.
દીપકભાઈ તેમની પ્રિય ગાય જયાને સાથે લઈને નીકળતા ક્યારે પણ ચૂકતા નથી. ગાય તેમના પરિવારના સભ્યો જેવી છે. મોર્નિંગ વોક પર જ્યારે તેઓ ગાયને લઈને નીકળે છે ત્યારે લોકોની નજર તેમની ઉપર હોય છે. લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે કઈ રીતે મોર્નિંગ પર કોઈ ગાય લઈને નીકળી શકે છે?
આ દ્રષ્યો રોજના છે. એટલું જ નહીં તેમના પરિવારના સભ્યો પણ સવારે ઊઠીને તેમની ત્રણ લાડકી ગાયો સાથે રમે છે અને તેમને વ્હાલ કરે છે. પરિવારના તમામ સભ્યો ગાયને મોર્નિંગ વોક લઈ જાય છે.
સામાન્ય રીતે આવા દ્રશ્યો કદાચ જોવા મળતા નથી પરંતુ સુરત શહેરમાં આ દ્રશ્ય કતુહલ સર્જાય એવું છે.
દીપકભાઈ પોતે વૈષ્ણવ પંથથી જોડાયેલા છે. નાનપણથી જ ગાય માટે લાગણી છે. દાદાજીના સમયથી જ્યારે દર્શન માટે હવેલીમાં જતા હતા, ત્યાં ગૌશાળા જોઈ હતી, ત્યારથી જ ગાય પ્રત્યે પ્રેમની લાગણી ઉદ્ભવી હતી. તેમને ત્યાં ગૌ સેવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.