આવું તો સુરતીઓ જ કરી શકે! ઘરમાં પ્રસંગ લેવાયો હોય તેમ રામ મંદિર માટે કંઈક નવુ કર્યું
સુરતના જવેલરી મેન્યુફેક્ચરર્સે 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પર રામ મંદિર બનાવ્યું છે. 22 મી જાન્યુઆરીએ બેંગ્લુરુ, ચેન્નાઇ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે સુરતમાં બનેલી રામમંદિરની સોનાની વીંટી લોન્ચ કરાશે. રોઝ ગોલ્ડ વિટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે.
રામ મંદિર વીંટી પર અંકિત કરતા એક સપ્તાહનો સમય લાગ્યો હતો. બે કારીગરોની મહેનત રંગ લાવી છે. વીંટીની કિમત 1.25 લાખથી 3 લાખ સુધીની છે. પ્રારંભમાં જવેલર્સ દ્વારા 178 નંગ વીંટીનાં ઓર્ડર મળ્યાં હતાં.
તો 11111 સ્કવેર ફૂટમાં આકર્ષક શ્રી રામની આકર્ષક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી રહી છે. આર્ટિસ્ટ અને 40 વિદ્યાર્થીનીઓની સતત 18 કલાક સુધીની મહેનત રંગ લાવી છે. રિયાલિસ્ટિક રંગોળી જોઈ સૌ કોઈ દંગ રહી ગયા.
આ ભવ્ય રંગોળીના રેકોર્ડ બુક માટે દાવો કરાયો છે. સવારે પાંચ વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી રંગોળી પુરાઈ. જેમાં રામ સેતુ, ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી વગેરેના ચિત્રો અંકિત કરાયા છે.
અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત ગુરુકુળમાં અનોખી ઉજવણી કરાઈ. વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ધનુષબાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું હતું.
અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રીરામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી.