મરતા પહેલા ઈલાબેન 7 લોકોને જીવાડતા ગયા અને આપણને જીવનનો સૌથી મોટો સબક શીખવાડતા ગયા...
કોળી પટેલ સમાજના બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. આ પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
સુરતથી ચેન્નાઈનું 1610 કિલોમીટરનું અંતર માત્ર 180 મિનીટમાં કાપીને હૃદય ચેન્નાઈ પહોંચ્યું હતું. જ્યાં દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થીનીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
ચેન્નાઈની MGM હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. તો બીજી તરફ, ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં ઈલાબેનના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની 61 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલી બંન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીમાં નિયમાનુસાર અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીસ (Institute of Kidney Diseases) અને રિસર્ચ સેન્ટર( IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 369 કિડની, 150 લીવર, 7 પેન્ક્રીઆસ, 28 હૃદય, 6 ફેફસાં અને 272 ચક્ષુઓ કુલ 832 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 766 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.