સુરતની હૃદયદ્રાવક તસવીરોઃ હિબકે ચડ્યું સુરત, ભારે હૈયે લાડકવાયાઓના કરાયા અંતિમ સંસ્કાર, લોકોમાં ભારે રોષ
સુરતમાં આગ લાગવાની ઘટના પછી અડધા ઉપરનું બિલ્ડિંગ આગની જ્વાળાઓમાં લપેટાઈને ખાખ થઈ ગયું છે. સવારે પોલીસ દ્વારા આ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. (ફોટો- ANI)
તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર બિલ્ડિંગ ધૂમાડામાં લપેટાઈ ગયું હતું.
સુરતની આગનું મુખ્ય કારણ બહારના ભાગમાં ફીટ કરાયેલી સીડી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે લાકડાની સીડીને લપેટામાં લીધી હતી અને પછી તેના દ્વારા આગ ઉપરના માળે પહોંચી હતી.
સુરતની હોસ્પિટલમાં રહેલા મડદાઘરમાં મૃતદેહો મુકવાની જગ્યા પણ ખુટી પડી હતી.
સુરતની દુર્ઘટનામાં એક સાથે 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેમાંથી કેટલાકને તો બચવાનો સમય જ ન મળતાં ટ્યુશન ક્લાસમાં જ તેઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. આ મૃતદેહની સ્થિતિ એવી હતી કે એક પણની ઓળખ થઈ શકે એમ ન હતી. આથી, કેટલાક મૃતદેહના તો DNA રિપોર્ટ કર્યા પછી તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.
સુરતની કરૂણાંતિકામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા. કોલ્ડસ્ટોરેજમાં પોતાના વ્હાલસોયાને શોધી રહેલા સ્વજન.
સુરતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની અંતિમ યાત્રા નિકળતાં સુરત શહેર હિબકે ચડ્યું હતું.
વિદ્યાર્થીઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
શુક્રવારની ઘટનાના કારણે સમગ્ર સુરત શહેરમાં શોકનો માહોલ સર્જાયો હતો. સ્મશાનમાં આવેલા લોકોના ચહેરા પર આ કરૂણાંતિકાનું દર્દ સ્પષ્ટપણે જોવા મળતું હતું.
જેમ-જેમ મૃતદેહોની ઓળખ થતી ગઈ તેમ-તેમ તેમના પરિજનોને સોંપવામાં આવતા હતા. ટ્યુશન ક્લાસમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ માટાભાગે એક જ વિસ્તારના હોવાથી એક-પછી એક સ્મશાનયાત્રા નિકળતાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
આ ઘટનામાં એક કૃતિ નામની યુવતીનું પણ મોત થયું હતું. પોતાની વ્હાલસોયીનું આવું અકાળે મોત થતાં તેની માતા હૈયાફાટ રૂદન કરતી જોવા મળી હતી.
કૃતિની માતાએ અત્યંત ભારે હૈયે પોતાની વ્હાલસોયી દિકરીને અંતિમ વિદાય આપી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાંત્વના આપવા માટે સુરત દોડી આવ્યા હતા. તેમણે કહ્યું કે, જે દિકરા-દીકરીઓના દીપ બુઝાયા છે તેનાથી ગુજરાતના હૃદય પર ચોટ પહોંચી છે.
આ ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓમાં એક હસતી નામની વિદ્યાર્થીની પણ હતી. આ વિદ્યાર્થીનીને તેની બહેનપણીઓએ અશ્રૃભીની આંખોએ વિદાય આપી હતી.
સુરતની દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ માટે વિવિધ જગ્યાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરથાણા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિકોએ હાજરી આપી હતી.