સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીમાં મુસાફરો ઢળી પડ્યા, એક મુસાફરનું હાર્ટ એટેકથી મોત
સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. ટ્રેનમાં ક્ષમતા કરતા વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. જેથી ભીડ વધી જતા અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ભીડમાં શ્વાસ રુંધાતા રેલવે સ્ટેશન પર એક મુસાફરને હાર્ટ અટેક આવ્યો હતો. તો રેલવે સ્ટેશન પર પાંચ જેટલા મુસાફરો બેભાન થયા હતા. તબિયત ખરાબ થતા મુસાફરોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મુસાફરની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યું છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરને હાર્ટ એટેક આવ્યો છે. ટ્રેનની બોગીમાં વધુ પ્રમાણમાં મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. જેથી મુસાફરોને બોગીમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
રેલવે સ્ટેશન પર બનેલી ઘટના અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું કે, રેલવે સ્ટેશન પર ઉમટતી ભીડને કંટ્રોલ કરવા પોલીસ મહેનત કરી રહી છે. વધુ ભીડના કારણે કંટ્રોલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
તો બીજી તરફ, દિવાળી પર્વને લઈને એસટી બસ સ્ટેન્ડ પર પણ મુસાફરોની ભીડ ઉમટી છે. હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત મિની ભારત તરીકે ઓળખાય છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ અલાયદું વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઓછા ભાડા માં વતન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. હાલ ગ્રુપ બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
દિવાળી દરમિયાન હ્રદય રોગના હુમલાના કેસ વધી શકે છે તેવું એલર્ટ પહેલા જ આપી દેવાયું છે. 108 ઈમરજન્સી સેવાના COO એ લોકોને ચેતવ્યા હતા કે, આ વર્ષે હાર્ટ અટેકના કેસ 25 ટકા જેટલા વધ્યા છે. દિવાળી દરમિયાન હાર્ટ અટેકના કેસ 8 થી 11 ટકા વધી શકે છે. દિવાળીમાં અકસ્માત તેમજ ટ્રોમાના કેસમાં પણ વધારો થાય છે.
ગઇકાલે શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા હતા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
દિવાળીના એક દિવસ પહેલા દરેક ટ્રેનોમાં બુકીંગ ફૂલ થઈ ગયું છે. ઉત્તર ભારત જનારી મોટાભાગની ટ્રેનમા નો રૂમની સ્થિતિ છે. ફેસ્ટિવલ સ્પેશિયલ માટે અમદાવાદ - પટના, સાબરમતી દિલ્હી સરાય રોહિલ્લા, ભાવનગર દિલ્હી સરાયરોહિલ્લા, સાબરમતી - દાનાપુર, અમદાવાદ - સમસ્તીપુર શરુ કરવામાં આવી છે. મોટા ભાગની ટ્રેનમા 200-300 નું વેઇટિંગ બોલી રહ્યું છે. લોકોને કન્ફ્રર્મ ટિકિટ મળે તેની અપેક્ષા પરંતુ વેઇટિંગની સામે લોકો મજબુર બન્યાં છે.