સુરતના વેપારીઓએ બનાવી ‘સર્જીકલ સ્ટ્રાઇક’ થીમ પર સાડી, ફર્સ્ટ લુક જોઇ લોકોમાં વધી ડિમાન્ડ

Sat, 23 Feb 2019-1:33 pm,

સુરતથી દેશભરમાં સાડીનો વેપાર કરનાર વેપારીએ સાડીની નવી એક એવી ડિઝાઈન તૈયાર કરી છે. જેને જોઇ તમે પણ ખરીદી કરવાથી પોતાને રોકી શકશો નહીં... આ સાડી નું નામ સર્જિકલ સ્ટ્રાઈક સાડી છે. સાડીની ડિઝાઈન ભારતીય સેનાના શૌર્યને વર્ણવે છે. થલસેના- વાયુસેનાનું પરાક્રમ આ સાડીની ડિઝાઈન માં સાફ જોવા મળે છે. સાડીને ધ્યાનથી જોવામાં આવે તો સાફ ખબર પડે છે કે આ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઈકની ડિઝાઇન ધરાવે છે.

હેલિકોપ્ટરથી ઉતરતા ભારતીય સૈનિકો અને તેજસ લડાકુ વિમાન સહિત સુરત ખાતે તૈયાર થયેલા મેક ઇન ઇન્ડિયા વ્રજ નાઈન ટેન્કની ડિઝાઇન સાડી પર બનાવવામાં આવી છે. અનોખી ડિઝાઇન સાથે આ સાડી દેશના ખૂણા ખૂણામાં જશે. સુરત ખાતે તૈયાર કરવામાં આવેલી આ સર્જીકલ સ્ટ્રાઈક સાડીના મુખ્ય હેતુ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ પુલવામામાં બનેલી ઘટના બાદ વેપારીઓ દેશના સૈનિકો માટે કંઇક કરવા માગતા હતા. જેથી તેઓએ આ ખાસ ડિઝાઇનની સાડી તૈયાર કરી છે.

આ સાડીના વેચાણથી થતા નફાની રકમ શહીદ પરિવારોને આર્થિક યોગદાન તરીકે આપવામાં આવશે. સુરત ખાતે જ્યારે આ સર્જીકલ સ્ટ્રાઈક સાડીનો સેમ્પલ પીસ તૈયાર કરવામાં આવ્યો તો દેશના અન્ય રાજ્યોમાં રહેતા સાડીના વેપારીઓ તેને ખરીદવાથી પોતાને રોકી શક્યા નહીં. આજે હજારોની સંખ્યામાં સર્જીકલ સ્ટ્રાઈક સાડીનો ઓર્ડર સુરતના વેપારીઓને મળી રહ્યો છે. સુરત ખાતે આ સાડીનો ઓર્ડર આપવા આવેલા વેપારીઓનું કહેવું છે કે આ સાડી દેશના ગામે-ગામે પહોંચે એ પ્રયત્ન કરવામાં આવશે.

જ્યારે ભારતીય સેનાની ગર્વ ગાથા દેશની મહિલાઓ પણ જોશે અને સાડી પહેરી પોતાને ગૌરવાન્વિત અનુભવ કરશે. આ સાડી વેચવા માં કોઈ પણ નફો ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી. દેશના વેપારી અને દેશની જનતા ભારતીય સેના સાથે છે. વેપારીઓ દેશના શહીદ જવાનોના પરિવાર માટે કશું કરવા ઇચ્છે છે અને આ જ કારણ છે કે આ સાડીઓ જો નુકસાનમાં પણ વેચવી પડે તો વેપારીઓ તૈયાર છે. સુરતમાં તૈયાર થતી સાડીઓ હમેશાથી ચર્ચાનો વિષય રહી છે.

પોતાની ડિઝાઈનથી લઈ પોલિટિકલ નેતાઓથી માંડી અન્ય તસવીરો તૈયાર સાડીઓ હમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહી છે. જોકે આ વખતે સુરતના વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલી સાડી જોઇ લોકોમાં દેશભક્તિની ભાવના ચોક્કસ પણે વધશે એવું વેપારીઓનું માનવું છે.

એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓની થીમ પર કેટલાક વેપારીઓ સાડીઓ તૈયાર કરી નેતાભક્તિ કરી રહ્યા છે, ત્યાં સુરતમાં એવા પણ વેપારી છે જ્યાં નેતાભક્તિ છોડી દેશભક્તિની ભાવના બતાવી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link