સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી

Wed, 18 Nov 2020-9:17 am,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું છે, અને અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે. તેમજ ઘાયલ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે તેમને મોત મળ્યું હતું. 

પરિવારના મોટાભાગના લોકો લોકો હીરા ઘસવાનું કામ કરે છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. તો 17 જેટલા લોકો ઘાયલ છે.   

વડોદરાના ડીસીપી ઝોન-3 કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું કે, આઈસર ટેમ્પોના ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ટેમ્પો લોજિસ્ટિકના ટ્રેલરમાં ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેમ્પોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. 

જોકે, મોતનો આંકડો વધવાની શક્યતા છે. કારણ કે, ટેમ્પોના ડ્રાઈવર અને ક્લિનરની હાલત વધુ ગંભીર છે. અકસ્માત સર્જાયો હતો ત્યારે 9ના મોત થયા હતા. ત્યારે સવાર સુધીમાં મોતનો આંકડો 11 પર પહોંચ્યો હતો. તથા અન્ય મુસાફરો પણ ગંભી રીતે ઘવાયા છે. જેમાં એક 7-8 વર્ષનુ બાળક અને 12-13 વર્ષની કિશોરી પણ છે.  

કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા જ સુરતમાં રહેતા આહીર સમાજના લોકો દોડી આવ્યા હતા. તો સાથે જ વડોદરામાં રહેતા સમાજના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા. જેથી મૃતકો અને ઈજાગ્રસ્તોને ઓળખવામાં મદદ થઈ હતી. 

હાલ, ટ્રેલરના ડ્રાઈવરની પૂછપરછ કરાઈ રહી છે કે, અકસ્માત કેવી રીતે સર્જાયો. તેમજ ટ્રેલરનું પણ ચેકિંગ કરાશે. જેથી ગાડીમાં કોઈ ફોલ્ટ હતો કે કેમ તે માલૂમ પડશે. 

તો આઇસર ટેમ્પોમાં સવાર 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગે રેસ્ક્યૂની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી. તો ઘવાયેલા યાત્રીઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતા જ એડિશનલ સીપી, કલેક્ટર અને એસડીએમ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તો SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક હોસ્પિટલમાં હાજર રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link