Photos : ઢળતી ઉંમરના લોકોની એકલતા દૂર કરવા સુરતની આ સંસ્થાનો પ્રયાસ છે અદભૂત
સુરતના વેસુ વિસ્તારમાં ભેગા થયેલા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન જીવનના આવા સમયે એક અદ્ભુત અનુભવ મેળવી રહ્યાં છે. અનુભવ કે જેને તેઓએ અત્યાર સુધીના જીવનમાં મેળવી શક્યા નથી. કારણકે આખી જિંદગી પરિવારના સભ્યો માટે અને તેમની ખુશી માટે ન્યોછાવર કરી દીધા અને રિટાયરમેન્ટ બાદ જ્યારે તેઓને સૌથી વધુ પ્રેમ લાગણી અને પરિવારના સભ્યોની જરૂર હોય છે ત્યારે તે સમયે આ બધી વસ્તુઓ મળતી નથી. આવા લોકો મોટાભાગે ડિપ્રેશન અથવા તો એકલા પડી જતા હોય છે. આવા લોકો માટે સુરતની સાંતનમ સંસ્થા દ્વારા એક ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 60 વર્ષથી વધુના લોકો આ ક્લાસમાં જોડાઈ જુદા જુદા એક્ટિવિટી અને કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની એકલતા ભૂલી જતા હોય છે. આ ઉંમરે પોતાને એકલા ન સમજે લોકો આ માટે આ સંસ્થાએ આ ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
સાંતનમ સંસ્થાના ફાઉન્ડર વિનોદ અગ્રવાલ કહે છે કે, સંસ્થા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તેઓને મોટિવેશનથી માંડી, સ્વાસ્થ્ય અને આરોગ્યની જાણકારી આપવામાં આવે છે. તેમના અને તેમના બાળકો વચ્ચે જનરેશન ગેપ ન રહે તે માટે તેઓને વિવિધ રીતે કાઉન્સલિંગ પણ કરવામાં આવે છે. આ સંસ્થા સાથે જોડાયેલા મોટાભાગના સિનિયર સિટીઝન હાઈપ્રોફાઈલ પરિવારથી આવે છે અથવા તો હાઈપ્રોફાઈલ જોબ કરી ચૂક્યા છે. જેથી અંદાજો લગાવી શકાય કે, વૃદ્ધાવસ્થામાં એકલા રહેવાની પીડા કેવી હોય છે તે સારી રીતે જાણે છે. અનેક કેસોમાં દંપતીમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ ગયું છે. જેથી આખો દિવસ એકલા રહેવાની જે વ્યથા છે, તેઓ કોઈને કહી પણ શકતા નથી. કારણ કે આજના દિવસોમાં પરિવાર અન્ય કાર્યો અને નોકરીમાં વ્યસ્ત થતા હોય છે, જેથી સિનિયર સિટીઝનોને કાળજી લેવામાં તો આવે છે પરંતુ લાગણી મળતી નથી. પરંતુ આવા ક્લાસ સાથે જોડાવા જ સિનિયર સિટીઝનની જે વ્યથા હતી તેનું એક નિરાકરણ મળી ગયું છે. દરેક તેઓ હારમાં અને દરેક સીઝનમાં તેઓ પરિવારની જેમ ભેગા થઈ તેને એક સાથે આવતા હોય છે.
જ્યાં એક તરફ વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટીઝનોની સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય બની જાય છે, ત્યારે બીજી બાજુ આવી સંસ્થાઓ સિનિયર સિટીઝનને આવી અવસ્થામાંથી બહાર કાઢે છે. જેથી તેઓ ડિપ્રેશન કે કોઈ અન્ય બીમારીઓનો ભોગ ન બને.