સુરેન્દ્રનગરમાં ગામેગામ પહોંચી રૂપાલાની આગ, ભાજપના ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવકોનો હોબાળો
સુરેન્દ્રનગરમાં ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે સીરામીક ઉદ્યોગની ફેક્ટરીમાં પ્રવેશ કરવાનો ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા પ્રયાસ કરાયો હતો. સિરામીક ઉદ્યોગની ફેકટરી બહાર બંદોબસ્તમાં ઉભેલી પોલીસને ક્ષત્રિય સમાજના યુવકોને રોકતા પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં વિરોધ નોંધાવી રહેલા 20 થી વધુ યુવકોની અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટનાને લઈ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતની પોલીસ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ, સુરેન્દ્રનગર શક્તિ મંદિર ખાતે પ્રતીક ઉપવાસ પર બેસેલા ક્ષત્રિય સમાજની મહિલાઓને મુળી અને વઢવાણ રાજવી પરિવારે પારણા કરાવ્યા હતા. 7 દિવસથી ક્ષત્રિય બહેનો ઉપવાસ પર ઉતરી હતી. મુળી અને વઢવાણ રાજવી પરિવારે નિવેદન આપતા કહ્યું કે, સંકલન સમિતિ જે નિર્ણય લેશે તેની સાથે ચાલીશું.
તેમણે કહ્યું કે, 7 તારીખે મતદાનમાં એક ક્ષત્રિય સમાજની મહિલા 10 મત ભાજપના તોડશે એ અંગેના પણ શપથ લેવામાં આવ્યા હતા. કાલથી ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાજપ વિરોધમાં પ્રચાર માટે ડોર ટુ ડોરનો કાર્યક્રમો શરૂ કરશે. પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગર ભાજપની ચિંતામાં વધારો થયો છે.