ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજીને ચોખ્ખું કરવાનું અભિયાન : ત્રણ દિવસ ચાલશે સફાઈકામ
યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડ્યા હતા. મેળાને કારણે અંબાજીમાં ગંદકી પણ થઈ હતી. તેથી સમગ્ર અંબાજીમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અંબાજીના અનેક વિસ્તારોમાં ભાદરવી પૂનમના મેળા બાદ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે સફાઈ કામદારો સહીત સ્વૈચ્છિક સંસ્થા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા અંબાજીમાં અનેક વિસ્તારોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ ઝુંબેશ ત્રણ દિવસ સુધી ચાલશે.
જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના જણાવ્યા મુજબ, સમગ્ર મેળા દરમિયાન હજાર જેટલા સફાઈ કામદારો સતત સફાઈ કામગીરી કરતા રહ્યા છે. તેમ છતાં મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છ અંબાજીને ધ્યાનમાં રાખી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલના તબક્કે અંબાજીમાં હંગામી સ્ટોલ પણ ખોલવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. કચરો પણ તાકીદે દૂર કરાય તેવી સૂચના સ્ટોલ ધારકોને અપાઈ છે.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિર ખાતે દાન પેટીમાં અધધ આવક થઈ છે. માઇ ભક્તોએ મન મૂકીને માતને દાન કર્યું છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા ભક્તોની આસ્થા અપાર છે. મંદિર પ્રશાસન દ્વારા દાનમાં આવેલ રૂપિયા ગણવામાં આવ્યા હતા. અત્યાર સુધી અંબાજી મંદિરને દોઢ કરોડની આવક થઈ છે. માત્ર રૂપિયા નહિ, પરંતુ સોના ચાંદીના દાગીના પણ અર્પણ કરાયા છે. રૂપિયાના ઢગ થતા મંદિર પ્રશાસન ગણતરીમાં લાગ્યું.
45 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યો છે. આજે મા અંબાના ધામમાં માઇભક્તએ 250 ગ્રામ સોનાની 3 લગડી પણ દાન કરી છે. અત્રે જણાવીએ કે, અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસમાં 466 ગ્રામ સોનાનું દાન આવ્યું છે. તો બીજી તરફ આજે મેળાના અંતિમ દિવસે જિલ્લા વહીવટી તંત્રએ પણ માંના આશીર્વાદ લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.