આ ત્રણ ગુજરાતીઓ ના રમ્યા હોત તો, ભારત ના જીત્યું હોત વર્લ્ડ કપ...આજે દુનિયા કરે છે સલામ
T20 World Cup 2024: ત્રણ ગુજરાતીઓના ધાકડ પર્ફોર્મન્સે ભારતને અપાવ્યો વર્લ્ડ કપ. આ ગુજરાતીઓએ સાઉથ આફ્રિકાના મુખમાંથી જીતનો કોળિયો છીનવી લીધો. રોહિત અને કોહલી સહિત આખી ટીમ ઈન્ડિયા આ ખેલાડીઓને કરે છે સલામ...
રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં આ ગુજરાતીઓએ ફાઈનલ મેચમાં રાખ્યો છે રંગ. જ્યારે ટીમ હારની કગાર પર હતી ત્યારે આ ત્રણ ગુજરાતીઓએ જ લગાવી હતી ભારતની નૈયા પાર...176 રનમાંથી 52 રન અને 8માંથી 6 વિકેટ ગુજરાતીના નામે રહ્યાં....
દક્ષિણ આફ્રિકાના મુખમાંથી જીતનો કોળિયો છીનવી લેવામાં સૌથી મોટો કોઈનો હાથ હોય તો એ છે ટીમ ઈન્ડિયાના પ્રોમિનન્ટ ઓલરાઉન્ડર અક્ષર પટેલનો. રોહિત શર્મા, ઋષભ પંત અને સુર્ય કુમાર યાદવ શરૂઆતની ઓવરોમાં જ એટલેકે, પાવર પ્લેમાં આઉટ થઈ ગયા હતા ત્યારે અક્ષરે આવીને બાજી સંભાળી. હાઈક્વાલિટી શોટ્સ રમીને વિરાટ અને ટીમ પરથી પ્રેશર ઓછું કર્યું અને 47 રન કરવા સાથે એક વિકેટ પણ લીધી.
અક્ષર પટેલે બેટિંગમાં કમાલ કરી તો હાર્દિક પંડ્યાએ બોલિંગમાં બૂમ પડાવી દીધી. ભારત માટે કાળ બનીને બેટ લઈને ઉભેલાં ક્લાસેનને હાર્દિક પંડ્યાએ જ પેવેલિયન ભેગો કર્યો. આ વિકેટ હાર્દિકે ના લીધી હોત તો જીત સપનું જ બનીને રહેત. છેલ્લી ઓવરમાં પણ હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરીને ભારતને જીત અપાવી. જો કે બૂમરાહની 4 ઓવર પૂરી થઈ ગઈ હોવાથી હવે સઘળો દારોમદાર બરોડિયન બોય હાર્દિક પંડ્યા પર હતો, કારણ કે છેલ્લી ઓવર માટે બોલ તેમના હાથમાં હતો. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને 16 રન કરવાના હતા. પરંતુ હાર્દિકે રબાડાને આઉટ કરતા ભારતની જીત નિશ્ચિત કરી હતી. કલાસેનની ધુંઆધાર બેટિંગને કારણે ફાઇનલ ભારતના હાથમાંથી લગભગ સરકી ગયો હતો. બરાબર આ જ સમયે હાર્દિક પંડ્યાએ સ્ફોટક બોલિંગ કરી રહેલા કલાસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 કિંમતી વિકેટ લીધી અને છેલ્લે 5 રન પણ માર્યા.
આખી સિરીઝમાં જ્યારે જ્યારે ટીમ ઈન્ડિયાને જરૂર પડી ત્યારે વિરોધીઓની વિકેટ લેવામાં સૌથી પહેલાં આગળ આવ્યો બુમરાહ. સાઉથ આફ્રિકા જીત તરફ આગળ વઘી રહ્યું હતું ત્યારે જ અમદાવાદી એવો બૂમ બૂમ બુમરાહ ત્રાટક્યો અને તેણે માર્કો યાન્સનની દાંડી ઉડાવીને પેવેલિયન ભેગો કરી ટીમ ઇન્ડિયાનું કમબેક કરાવ્યું હતું. જસપ્રીત બૂમરાહએ પોતાની છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપી એક વિકેટ પણ મેળવી હતી. ઓવરઓલ બૂમરાહે 4 ઓવરમાં 18 જ રન આપીને 2 વિકેટ ઝડપી હતી.