TMKOC માં સોઢીના પુત્ર બનેલા `ગોગી`એ ગુરુચરણ સિંહ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો છેલ્લે શું થઈ હતી વાત
સમય શાહે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેની થોડા મહિના પહેલા ગુરુચરણ સિંહ સાથે ફોન પર લાંબી વાત થઈ હતી. સમયે કહ્યું કે, 'મે તેમની સાથે લગભગ 4-5 મહિના પહેલા ફોન પર વાત કરી હતી. અમે લગભગ એક કલાક કે તેનાથી વધુ સમય સુધી વાત કરી હતી. તેઓ મને મોટિવેટ કરી રહ્યા હતા. હકીકતમાં હું તેમને ખુબ મિસ કરતો હતો, ખાસ કરીને ત્યારે જ્યારે અમે સાથે કામ નથી કરતા. આથી મે તેમને ફોન કર્યો હતો. અમે ફોન પર જૂની યાદો તાજી કરી હતી. સમય શાહે જણાવ્યું કે તેમની છેલ્લીવાર ગુરુચરણ સિંહ સાથે મુલાકાત દિલીપ જોશીના પુત્રીના રિસેપ્શનમાં થઈ હતી.'
ઈન્ટરવ્યું દરમિયાન જ્યારે સમય શાહને પૂછવામાં આવ્યું કે શું ગુરુચરણ સિંહ ડિપ્રેશનમાં હતા તો સમયે કહ્યું કે 'જ્યારે મે તેમની સાથે ફોન પર વાત કરી હતી ત્યારે તેઓ ખુશ લાગતા હતા. મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ ડિપ્રેશનમાં હતા તેવું લોકો કહે છે. તેઓ તે પ્રકારના માણસ જ નથી. જો કે ક્યારેક ક્યારેક એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે સામેવાળાના મગજમાં શું ચાલી રહ્યું છે પરંતુ જ્યારે પણ અમે વાત કરતા હતા ત્યારે તેઓ ખુબ ખુશ રહેતા હતા, તેમની તબિયત પણ ઠીક હતી અને તેઓ મારા હાલચાલ લેતા રહેતા હતા. મને નથી લાગતું કે તેઓ ડિપ્રેશનમાં હતા. જો કે અમે ક્યારેય એવા પ્રકારની વાતચીત કરી નથી જેવી તેઓ તેમના માતા પિતા કે મિત્રો સાથે કરતા હતા. હું તેમના માટે પુત્ર જેવો હતો.'
સમયે એમ પણ કહ્યું કે ગુરુચરણ સિંહ પંજાબી ફિલ્મ પર કામ કરતા હતા. તેણે કહ્યું કે, 'મને વધુ ખબર નથી કારણ કે તેઓ એક એવા વ્યક્તિ છે જેમને સરપ્રાઈઝ આપવું ગમે છે. હું પોતે એ જાણવા માટે એક્સાઈટેડ હતો કે તેઓ શું કરી રહ્યા છે. મને કન્ફર્મ નથી પરંતુ કદાચ તેઓ જીસીએસ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. આ સાથે જ તેઓ કદાચ એક એપ ઉપર પણ કામ કરતા હતા. મને કન્ફર્મ ખબર નથી પરંતુ નમે લાગે છે કે તેઓ જલદી પાછા ફરશે.'
અત્રે જણાવવાનું કે રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે અભિનેતાએ દિલ્હીના એક એટીએમથી લગભગ 7000 રૂપિયા કાઢ્યા હતા અને તેઓ છેલ્લે પાલમ નામના વિસ્તારમાં જોવા મળ્યા હતા. જે તેમના ઘરથી થોડા કિલોમીટર દૂર છે. આમ તો ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગૂમ છે. પરંતુ 24 એપ્રિલના દિવસે તેઓ પાલમના એક ટ્રાફિક સિગ્નલ પાસે લગભગ રાતે 9.14 વાગે રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો.