Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો

Thu, 04 Mar 2021-1:01 pm,

ઐતિહાસિક ધરોહર તાજમહેલ (Taj Mahal) પરિસરમાં બોમ્બની ખબરથી હડકંપ મચી ગયો છે. તાજમહેલની અંદર બોમ્બ મૂકાયો હોવાની ખબર મળતા જ અફરાંતફરી મચી ગઈ. ઘટનાને પગલે સીઆઈએસએફના જવાનોએ તાજમહેલમાં હાજર તમામ પર્યટકોને સુરક્ષિત બહાર કાઢ્યાં.સુરક્ષના કારણોસર તાજમહેલના બન્ને દરવાજા બંધ કરવામાં આવ્યાં. કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને તાજમહેલમાં બોમ્બ હોવાની સુચના આપી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યુંકે, બોમ્બની ખબર અફવા નીકળી. અને ખોટી સુચના આપનારની ધરપકડ કરવામાં આવી.

હાલમાં જ ભારત પ્રવાસ દરમ્યાન તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ તેમની પત્ની સાથે તાજમહેલની મુલાકાતે આવ્યાં હતા. તે સમયે પણ તાજની સુરક્ષામાં વધારો કરાયો હતો. આ ઉપરાંત પણ દુનિયાના દેશોના વડાઓ પ્રેમના પ્રતિક સમાન તાજમહેલની મુલાકાત લઈ ચુક્યા છે.

આગરામાં આવેલાં વિશ્વના સૌથી સુંદર પ્રેમના પ્રતિક અને દુનિયાની 7મી અજાયબી એવા તાજમહેલની સુરક્ષાને લઈને અવારનવાર સવાલો ઉઠતા રહ્યાં છે. વર્ષ 2017માં પણ આતંકી સંગઠન ISIS એ તાજમહેલની ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ કારણોસર તે સમયે પણ તાજમહેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તાજમહેલની અંદર અને બહાર બન્ને સ્થળોએ સીસીટીવી સર્વેલન્સ અને હાઈટેક ટેકનોલોજીની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ભારતના ઉતરપ્રદેશના આગરામાં સ્થિત તાજમહેલ દુનિયાની 7 અજાયબીઓમાંથી એક છે. પ્રેમનું આ પ્રતિક ભારતની ઐતિહાસિક ધરોહર છે. કોઈપણ દેશની ઐતિહાસિક ધરોહર એ તે દેશની ઓળખ હોય છે. અને આ સ્થાપત્યોની જાળવણીએ જે તે દેશ, સુરક્ષા એજન્સીઓ, સરકારો અને દેશવાસીઓની ફરજ બને છે. સુરક્ષાના કારણોસર તેને લીલા રંગના કપડાંથી ઢાંકવાની ફરજ પડી હતી.

તાજમહેલ ભારતનું સુપ્રસિદ્ધ સ્મારક છે. એક પ્રકારે તે દુનિયાભરમાં ભારતની ઓળખ સમાન છે. પણ દુનિયાની 7 અજાયબીઓ પૈકી એક એવું આ પ્રેમનું પ્રતિક હંમેશાથી મેલી મુરાદો ધરાવતા લોકોની આંખમાં કણાની જેમ ખુંચતું રહ્યું છે. તેથી તેની સુરક્ષા માટે હંમેશા સુરક્ષાદળો અને સરકારો સજાગ રહે છે. વર્ષ 1942માં વિશ્વ યુદ્ધની વિષમ પરિસ્થિતિઓમાં તાજમહેલના સતત પડી રહેલાં બોમ્બના હુમલાથી બચાવવો એક બહુ મોટો પડકાર હતો. તેના માટે તે સમયે વિશેષ પ્રકારની ઘેરાબંદી કરવામાં આવી હતી. જેમાં તાજમહેલની ચારે બાજુ લાકડીઓથી એક વાડ બનાવવામાં આવી હતી. તેનાથી પણ તાજને ઢાંકીને એક લાકડાનો મોટો ભારે મુક્યો હોય તે પ્રકારે લાગે એ રીતે તાજમહેલને છુપાવવામાં આવ્યો.

એક સમયે સુરક્ષાના કારણોસર તાજમહેલની પુરી રીતે ઢાંકી દેવામાં આવ્યો હતો. તે સમયે બ્રિટિશ સરકારે સુરક્ષાના કારણોસર તાજમહેલની તસવીરો લેવાની પણ મનાઈ ફરમાવી હતી. દુનિયામાં પ્રેમના સર્વોત્તમ પ્રતિક અને ઐતિહાસિક ધરોહર એવા તાજમહેલને વર્ષ 1965 ના યુદ્ધ દરમ્યાન સ્પેશિયલ કવરિંગ કરવામાં આવ્યું હતું.

વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન આખાય તાજમહેલની લીલા રંગના કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો હતો. અને તેની આસપાસ લીલા ઝાડ અને છોડ-પાન મુકીને હરિયાળું વાતાવરણ ઉભું કરીને તાજમહેલને છુપાવવામાં આવ્યો હતો. દુશ્મન ઈચ્છે તો પણ તાજને પોતાનું નિશાન ન બનાવી શકે તેવા પ્રયાસો કરાયા હતા. જોકે, હાલની આધુનિક ટેકનોલોજીના સમયમાં હવે કોઈપણ સ્થળને છુપાવવું શક્ય નથી. પરંતુ હાલના સમયની ભારતીય સેના પણ દરેક પ્રકારના પડકારોને ઝિલવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તાજમહેલની સુરક્ષાની માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દેશના નાગરિકોએ પણ આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે સહકાર આપવાની જરૂર હોય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link