ગુજરાતમાં ભરશિયાળે આવ્યો વરસાદ, જાણો ત્રણ દિવસ ક્યાં ક્યાં છે આગાહી, પાક બચાવવા ખેડૂતોની મથામણ
હવામાન વિભાગ ની કમોસમી માવઠાની આગાહી અપાઈ છે. તે મુજબ ગુજરાતભરના ખેડૂતો પોતાનો પાક સાચવવાની મથામણ કરી રહ્યાં છે. ખુલ્લા પાકને ઢાંકવામાં આવી રહ્યો છે. આ માટે ખેડૂતોને પોતાનો પાક બચાવવા તાબડતોડ તાડપત્રી લાવી ઢાકવાની કામગીરી કરવી પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીના માહોલ વચ્ચે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરતાં કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે માવઠાને લઇ રવિ પાકને મોટું નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.