સરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો તૈયાર

Mon, 20 May 2024-8:00 pm,

મુખ્ય સચિવએ કહ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ  વિસ્તારમાં આપદા મિત્રોને તાલીમ આપી સજ્જ કરાશે. ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય.   

શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ જેથી જાનહાની ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘પ્રિ મોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું જેથી ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. 

તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે રાજ્યમાં આવેલા શેલ્ટરહોમમાં સુવિધાઓ ચકાસવા તેમજ તાલુકા સ્તરેથી તાલુકા-ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકીદ કરી હતી. 

તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 15 તેમજ SDRFની 11 ટીમો ઉપલબ્ધ રહેશે જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.

કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, સંભવિત તા. 31 મે-2024ની આસપાસ કેરળ ખાતે ચોમાસાનું આગમન થશે જેથી આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.

સમીક્ષા બેઠકમાં રાજ્યના સબંધિત વિભાગો જેવા કે, ગૃહ, સિંચાઈ, પાણી-નાગરિક પુરવઠા, આરોગ્ય, GSDMA, સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્યવહાર, વન, કૃષિ અને પશુપાલન તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલનમાં વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. 

આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, માહિતી, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF, કોસ્ટ ગાર્ડ, NDRF, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવે તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link