ફેરારીના માલિક સાથે બદલો લેવા માટે ખેડૂતના પુત્રે બનાવી લેમ્બોર્ગિની, વાંચો સફળતાની અનોખી દાસ્તાન
સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની ખરીદવાનું અને ચલાવવાનું દરેક યુવાનનું સપનું હોય છે. દરેક વ્યક્તિ એટલા રૂપિયા કમાવવા માગે છે કે એક દિવસ તે પોતાના ગેરેજમાં આ ગાડીને જોવા ઈચ્છે છે. જે ગાડી માટે આજના લાખો કરોડો યંગસ્ટર્સ દિવાના છે. ત્યારે શું તમે આ જાણવાનો પ્રયાસ કર્યો છે કે લેમ્બોર્ગિની ગાડી કઈ રીતે બની?, તેની સફળતાની શું કહાની છે?. જોકે તેની સફળતાની કહાની તમને પણ આશ્વર્યમાં મૂકી દેશે. એક ખેડૂતનો પુત્ર જે ટ્રેક્ટર ચલાવતો હતો. તેણે એક દિવસ એવી કાર તૈયાર કરી. જેને હાંસલ કરવાનું કોઈ સપનાથી ઓછું નથી.
લેમ્બોર્ગિનીની શરૂઆત ઈટલીના બિઝનેસમેન ફારૂશિયો લેમ્બોર્ગિનીએ કરી હતી. ફારૂશિયોના માતા-પિતા બંને ખેતી સાથે જોડાયેલા હતા. અને દ્રાક્ષની ખેતી કરતા હતા. પરંતુ ફારૂશિયોને ખેતીમાં ક્યારેય રસ હતો નહીં. તે હંમેશા ખેતીના કામમાં આવતા સાધનોને બનાવવાનો શોખ રાખતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ફારૂશિયો રોયલ એરફોર્સની સાથે જોડાયા અને મિકેનિક તરીકે વાયુસેનાની સાથે રહ્યા. યુદ્ધ ખત્મ થયા પછી ફારુશિયોએ ટ્રેક્ટર્સ બનાવવાનું કામ શરૂ કર્યું. તેમની ટ્રેક્ટર કંપની ટૂંક સમયમાં દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ. જે ખેતી માટે ઓજારો બનાવવાનું કામ કરતી હતી.
ફારુશિયો પોતે પણ આલિશાન ગાડીઓના માલિક હતા. તેમના કાફલામાં મસેરાતી, મર્સિડીઝ બેન્ઝ અને અલ્ફા રોમિયો જેવી ગાડીઓ હતી. તેના પછી તેમમે અનેક ફેરારી ખરીદવાનો નિર્ણય કર્યો. પરંતુ આ નિર્ણય તેમની જિંદગીનો ટર્નિગ પોઈન્ટ સાબિત થયો. તેમના આ નિર્ણયે લેમ્બોર્ગિનીની સફળતાની શરૂઆત કરી. ફારુશિયો હંમેશાથી મોંઘી રેસિંગ કાર ખરીદવા ઈચ્છતા હતા. આથી તેમણે ફેરારી ખરીદી. ફારુશિયો પોતાની ફેરારી પર એક દિવસ ફરવા માટે નીકળ્યા. પરંતુ ગાડીના ક્લચમાં કંઈક મુશ્કેલી આવી ગઈ. ક્લચ બરાબર રીતે કામ કરી રહ્યો ન હતો. હવે ફારુશિયો જે મિકેનિક હતા. તેમણે આ ખરાબી વિશે ફેરારીના માલિક એન્જો ફેરારીને જણાવ્યું. પરંતુ તે ગાડીને ઠીક કરવાની જગ્યાએ તેના માલિક સાથે વાત કરવા માગતા હતા.
જ્યારે ફારુશિયોએ આ અંગે એન્જાને જણાવ્યું તો તે ભડકી ગયા. એન્જો ફેરારીએ ફારુશિયોને જવાબ આપ્યો કે ભૂલ ક્લચની નહીં પરંતુ તેને કાર ડ્રાઈવ કરનારની છે. તેમણે અપમાનજનક ભાષામાં ફારુશિયોને કહ્યું કે ફેરારી ચલાવવાની જગ્યાએ તેમણે ટ્રેક્ટરની સવારી કરવી જોઈએ. આ વાત ફારુશિયોને કાંટાની જેમ ખટકી ગઈ. તે દિવસે તેમણે નક્કી કરી લીધું. આ અપમાનનો બદલો એન્જો ફેરારી પાસેથી લઈને જ રહેશે. ત્યારથી ફારુશિયોના મનમાં એક જ વાત દોડવા લાગી. કોઈપણ રીતે વર્લ્ડની બેસ્ટ રેસિંગ કાર બનાવવી છે.
ફારુશિયોએ નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર બનાવવાનું કામ શરૂ કરી દીધું. ફારુશિયોએ પહેલા ગાડીની ડિઝાઈન બનાવવાનું શરૂ કર્યું. ફારુશિયો જાણતા હતા કે તેમને કેવી ગાડી જોઈએ. આથઈ તેમણે કેટલાંક મહિનાની અંદર પોતાની રેસિંગ કાર તૈયાર કરી લીધી. ફારુશિયોએ રેસિંગ કારને ઓળખ આપવા માટે તેના સિમ્બોલ તરીકે બળદના ફોટોના ઉપયોગ કર્યો. તેમની રાશિ વૃષભ હતી. અને આ રાશિની નિશાની એક બળદ હોય છે. આથી જ લેમ્બોર્ગિનીનો સિમ્બોલ બળદ છે. ફારુશિયોએ પોતાની પહેલી કાર લેમ્બોર્ગિની 350 GTને બનાવવા માટે ફેરારીના જ એક જૂના એન્જિનિયર અને બે યંગ એન્જિનિયર્સને નોકરી પર રાખ્યા.
350 GTમાં તે સમયનું જાણીતું V-12 એન્જિન લગાવવામાં આવ્યું. જેથી તે હવાથી હવામાં વાત કરી શકે. વર્ષ 1963માં પહેલી લેમ્બોર્ગિની બધાની સામે આવી. દરેક વ્યક્તિ તેના વિશે જાણી શકે એટલા માટે પહેલા પ્રેઝન્ટેશનમાં તેની દરેક નાનામાં નાની જાણકારી આપવામાં આવી. વર્ષ 1964ની શરૂઆત થતાં જ લેમ્બોર્ગિનીની કારનું વેચાણ પણ શરૂ થઈ ગયું. કહેવાય છે કે જેવું લેમ્બોર્ગિનીનું વેચાણ શરુ થયું. લોકોની વચ્ચે તેને ખરીદવાની હરિફાઈ જામી. આવતાંની સાથે તે એ હદે હિટ થઈ ગઈ કે આવી 120 કાર બનાવવામાં આવી. આ એક ટુ સીટર લક્ઝરી સ્પોર્ટસ કાર હતી. તેના મોડલથી લોકો એટલા ખુશ થયા કે લેમ્બોર્ગિનીએ થોડા સમયમાં તેનું નવું મોડલ બજારમાં લાવી દીધું. નવા મોડલનું નામ 400 GT હતું. અને તે પણ આવતાની સાથે જ સુપરહિટ થઈ ગયું.