પવન અને વાદળોની દિશા જોઈ ગુજરાતમાં એક નવો જ વરતારો! આ વિસ્તારોમાં વધશે પવનની ગતિ
જો કે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારપછી ક્રમશ: ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આગામી બે દિવસ ઠંડી સહન કરવી જ પડશે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણું કરી રહ્યા છે. ગુજરાતના 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.
તમને જણાવી દઈએ કે 3.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ રહ્યું છે, જે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન છે. નર્મદા વાસીઓ 5.2 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી ઠુંઠવાયા છે. જ્યારે રાજકોટ 7.3, દાહોદ 8, ડીસા 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભુજ 9.2, વડોદરા 11.4, અમરેલી 11.7, અમદાવાદ 12.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રીથી ઓછું થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે.
આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલુ ગગડ્યું છે. આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂકાતા વધુ ઠંડીનો અનુભવ થાઈ રહ્યો છે. હજુ 48 કલાક વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે. બે દિવસ બાદ ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાનના વધારા સાથે ઠંડીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમી વિક્ષેપ એક ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં ઉત્તર પાકિસ્તાન પર સ્થિત છે, જ્યારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે. અરબી સમુદ્રમાંથી ભેજ સક્રિય થઈ રહ્યો છે. તેની અસરને કારણે, 7-8 જાન્યુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 7 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશ અને આસામમાં કરા પડશે, જ્યારે સિક્કિમમાં ગાજવીજ અને કરા સાથે વાદળો રહેશે.
નવી પશ્ચિમી વિક્ષેપ 10-12 જાન્યુઆરી સુધી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી પવનો પણ ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.