ગુજરાતમાં વિચિત્ર રીતે મૌસમે કરવટ બદલી! અંબાજીમાં વરસાદ, દરિયો તોફાની, જાણો ભયાનક આગાહી

Tue, 07 May 2024-5:04 pm,

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 

સોમવારે રાત્રે હડાદ પંથકના આકાશમાં વીજળીના કડાકા થતાં જોવા મળ્યા હતા. એક તરફ ચુંટણીના મતદાનના દિવસે ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ અંબાજી હડાદ પંથકમાં મોસમ નો મિજાજ બદલાયો હતો. અંબાજીના હડાદ પંથકમા વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. મતદાનના એક દિવસ પહેલા જ હડાદ પંથકના આકાશમાં વીજળીના કડાકા થતાં જોવા મળ્યા હતા. હાલ બદલાયેલા આ મોસમનો મિજાજ જોતા હવે ગુજરાતમાં ઠંડી, ગરમી કે વરસાદનો માહોલ રહેશે એ જોવું રહ્યું. તે હવે કુદરતને આધિન છે.

વલસાડનો તીથલનો દરિયો એકાએક તોફાની બન્યો છે. ગઈકાલે તિથલ બીચ ઉપર 8 થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના મોજા બીચ પર બનવવામાં આવેલ વોકવે સુધી ઉછળ્યા હતા. જોકે, આ વચ્ચે પણ જીવન જોખમે સહેલાણીઓ દરિયાના મોજાની મજા માણતા નજરે પડ્યા હતા. જોખમી મોજામાં સહેલાણીઓ નાહતા નજરે પડ્યા હતા. બીચ પર કોઈ પણ પ્રકાર ના સાવચેતીના પગલાં ન લેવામાં આવતા સહેલાણીઓના જીવ જોખમમાં મુકાયા હતા. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.   

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 

બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. 

આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link