એકાએક બદલાયું ગુજરાતનું વાતાવરણ! અંબાલાલની ભારે આગાહી, 7 દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ
એપ્રિલ મહિનો સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે.જોકે, ગુજરાતમાં પલટાયેલા વાતાવરણને કારણે હાલ અમદાવાદ રાજ્યમાં ગરમીનો પારો યથાવત છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. તો રાજકોટ સહીત અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, કંડલા, મહુવામાં પણ તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલના પ્રથમ અઠવાડિયે તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા ચે. આગામી સમયે તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા છે.
આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામા વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. આમ, એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ વરસાદનું આગમન થયું છે. જોકે, આ વરસાદથી ગુજરાતમાં તાપમાનનો પારો નીચો જશે. લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક અને તાપમાન યથાવત રહેશે. તાપમાનમાં વધારાની શક્યતાઓ નહિવત છે. કેટલાક વિસ્તારમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ થશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધારાની શક્યતા નહિવત છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિના સુધી દેશના અનેક રાજ્યોમાં સૌથી વધુ ગરમીની આગાહી કરી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આ વખતે સરકાર એટલા માટે સક્રિય થઈ છે. કેમ કે એપ્રિલથી અનેક રાજ્યોમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મતદાનના સમયે લોકોને કોઈ અસર ન થાય તે માટે સરકારે લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે.
હવામાન વિભાગની આગાહી છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખમાં આગામી ત્રણ દિવસ સુધી તથા ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આ રાજ્યોમાં હિમવર્ષા પણ થશે. અન્ય રાજ્યોની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી વરસાદ, આંધી તોફાન તથા વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.
ગરમીની વાત કરીએ તો હાલમાં વિદર્ભ, છત્તીસગઢ, મરાઠાવાડા, તેલંગણા, ઈન્ટીરિયર કર્ણાટક, રાયલસીમા, સાઉથ ઈસ્ટ ઉત્તર પ્રદેશ, ઉત્તરી ઈન્ટીરિયર ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્ર પ્રદેશ, સાઉથ ઈન્ટીરિયર, તમિલનાડુમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયુ છે.
મણિપુર, ત્રિપુરા, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટક, ઓડિશા, વિદર્ભ, સાઉથ વેસ્ટ રાજસ્થાન, સેન્ટ્રલ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં લઘુત્તમ તાપમાન નોર્મલથી ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયુ છે. પૂર્વ ભારતમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે.
રાજ્ય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા સમયમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે ચાર દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાલે 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું. કચ્છમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા.