સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો! આ વિસ્તારો પર બે સિસ્ટમ સક્રિય
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે. બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ઑગસ્ટની અતિવૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેતી પાકો ઉપરાંત શાકભાજી અને બાગાયત પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે. ઉલ્લેખનીય છે કે હાલ વરસાદનું જોર ઘટ્યું છે. જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અન્ય બે સિસ્ટમ વરસાદ લાવી રહી છે.
સુરતના ઓલપાડ અને માંગરોળમાં કીમ નદીના પાણીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. કીમ નદીના તાંડવનો જુઓ આકાશી નજરો..ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતા સર્વત્ર તારાજી સર્જાઈ છે. કોસંબાથી કીમને જોડતો રસ્તો પણ પાણીમાં ડૂબી ગયો છે. તો અનેક ગામમાં કીમ નદીના પાણી ઘૂસી જતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના બોલાવ ગામ કીમના પાણીથી સૌથી વધુ પ્રભાવિત છે. કીમ નદીના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. બોલાવના આદિવાસી વસાહત, આહીર ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કીમમાં આવેલુ પૂર ગરીબ પરિવારો માટે આફત લાવ્યું છે. ગામની સંભાળ લેવા કોઈ આગેવાન ન આવતા લોકોમાં ભારે રોષ છે.
ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર પહોંચી છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવવા તરફ પહોંચતા નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીની જળસપાટી વોર્નિગ લેવલ સુધી પહોંચી ગઈ છે. સુરતની તાપી નદીમાંથી 1 લાખ 48 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, તાપી નદી બે કાંઠે વહેતા નદી કાઠે રહેતા લોકોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદથી નદી-નાળા અને ચેકડેમ છલકાઈ ગયા.
મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા ડેમમાંથી 96 હજાર 880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કડાણા ડેમમાં 71 હજાર 603 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. જો કે બજાજ સાગર અને અનાસ નદીમાંથી આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે.
પંચમહાલના પાવાગઢમાં ભારે વરસાદ પછી કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ આવતા મસમોટા પથ્થર ધસી પડ્યા છે. તો સુરક્ષા માટે મુકાયેલી રેલિંગ પણ તૂટી ગઈ છે. જો કે આ ધટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ પગથિયા પરથી પસાર થવામાં ભક્તોને મુશ્કેલી પડી રહી છે.