પર્યટકો માટે ખુશખબરી! ગુજરાતમાં જલદી ખુલશે પહેલું ટાઈગર સફારી પાર્ક
એક વરિષ્ઠ વન અધિકારીનું કહેવું છે કે, પ્રારંભિક યોજના તિલકવાડામાં પાર્ક બનાવવાની કરી હતી જે પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લગભગ 25 કિલોમીટર દૂર છે. પરંતુ ત્યારબાદ હવે સરકારે એક પ્રાણી ઉદ્યાન બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં દુનિયાભરના વિદેશી પ્રાણીઓ હશે.
તેમણે કહ્યું કે, આ વચ્ચે ડાંગની સાઈટને એક લેપર્ડ સફારી પાર્ક માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અધિકારીઓએ તેમનો વિચાર બદલ્યો અને ટાઈગર સફારી પાર્કની યોજનાને પુનર્જીવિત કરી છે. પ્રસ્તાવ હેઠળ આહવા-ડાંગના જખાના અને જોબરી ગામમાં 28.96 હેક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે.
એક સલાહકારની નિમણૂક કરવામાં આવશે જે યોજના તૈયાર કરશે અને આ ક્ષેત્રમાં પશુઓ માટે વાડો અને પશુચિકિત્સકો હશે. વિભાગ ટાઈગર સફારી પાર્કમાં દીપડાઓ માટે એક વાડો, શાકાહારીઓ માટે એક વાડો અને એક એવિયરી બનાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. ત્યાં પહોંચવા માટે કેવડિયાથી લગભગ 4 કલાકનું ડ્રાઈવિંગ કરવું પડશે.
અત્યારે આ યોજના પ્રારંભિક ચરણમાં છે. વનના મુખ્ય સંરક્ષક મનીશ્વર રાજાનું કહેવું છે કે અમે દેવલિયાના લાયન સફારી પાર્કની તર્જ પર પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ટાઈગર સફારી પાર્કમાં લાવીશું. જ્યાં પર્યટકો ખુલ્લી જીપમાં ફરી શકશે. જણાવવામાં આવી રહ્યું છે કે, પાર્કમાં એક વાઘ અને એક વાઘણ અને બે બચ્ચા હશે.