અમે અમારા સ્વજનોની લટકતી લાશો જોઈ હતી, મોરબી હોનારતના 44 વર્ષ પછી પણ હૃદયમાં કોતરાયેલા ઘાવ રુઝાયા નથી
)
૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪૪ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી.
)
જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.
)
પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા આ દિવસને યાદ કરતા કહે છે કે, આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી અને હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા.
ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવ લાગ્યા હતા, તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા. જેથી મચ્છુની આ ગોજારી હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે
મોરબીના નિવૃત્ત અધિકારી નરભેરાભાઈ કુલતરિયા જણાવે છે કે, મોરબીમાં મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા. જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું, ત્યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સામન બની ગયેલ હતું અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા. જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવતા હતા. તો બીજી બાજુ તે સમયે ચોરી લુંટફાટ કરવા માટે જુદાજુદા વિસ્તારોમાંથી ગેંગો આવવા લાગી હતી. જેની ફરિયાદો અધિકારીને મળવા લગતા ત્યારે બહારથી શહેરની અંદર આવતા અને શહેરમાંથી બહાર જતા લોકોને ચેક કરવામાં આવતા હતા.
દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે ૪૪ વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી કેમ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે દર વર્ષે ૧૧ ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે જેમા રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેતા હોય છે.