IPL 2019: આઈપીએલમાં અત્યાર સુધી કોલકત્તા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-5 બોલર
સુનીલ નરેને વર્ષ 2012ની આઈપીએલની હરાજીમાં કોલકત્તા અને મુંબઈ વચ્ચે એક બોલી યુદ્ધ શરૂ કર્યું હતું. તત્કાલીન અજ્ઞાત મિસ્ટ્રી સ્પિનરે ટ્રેનિદાદ અને ટોબેગો ટીમ માટે રમતા ચેમ્પિયન્સ લીગ ટી20માં પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા હતા. અંતે તેને કોલકત્તાએ ખરીદ્યો હતો.
સુનીલ નરેને અત્યાર સુધી કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે 7 સિઝનમાં 98 મેચ રમી છે, જેમાં તેણે 6.5ની અસાધારણ ઇકોનોમી અને 22.3ની એવરેજથી 112 વિકેટ ઝડપી છે. 19 રન પર પાંચ વિકેટ આઈપીએલમાં તેનું અત્યાર સુધીનું સર્વક્ષેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે. 7 સિઝન બાદ પણ બેટ્સમેનો આ મિસ્ટ્રી સ્પિનરના બોલને ઓળખવામાં નિષ્ફળ રહ્યાં છે, જે આઈપીએલમાં તેના પ્રભુત્વને દર્શાવે છે.
ભારતીય લેગ સ્પિનર પિયૂષ ચાલલા કિંગ્સ ઇલેવન પંજાબ માટે 6 સિઝન રમ્યા બાદ વર્ષ 2014માં કોલકત્તાની ટીમમાં સામેલ થયો હતો. આ ભારતીય સ્પિનર આઈપીએલનો દિગ્ગજ રહ્યો છે અને આઈપીએલ ઈતિહાસમાં ટોપ વિકેટ ઝડપનારોની યાદીમાં પણ સામેલ છે.
કોલકત્તા માટે તેણે 5 સિઝનમાં 56 વિકેટ ઝડપી છે. ચાવલા આગામી સિઝનમાં પણ કોલકત્તા માટે રમશે. તેણે આઈપીએલમાં કુલ 144 મેચોમાં 140 વિકેટ પોતાના નામે કરી છે.
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને 2014ની હરાજીમાં કોલકત્તાએ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેણે વર્ષ 2014થી 2017 સુધી આઈપીએલમાં કેકેઆર માટે 47 મેચ રમી, જેમાં તેણે કુલ 48 વિકેટ પોતાના નામે કરી છે.
વર્ષ 2018ની હરાજીમાં ઉમેશને રોયલ ચેલેન્જર બેંગલુરૂએ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
વર્ષ 2011માં શાકિબ અલ હસન કેકેઆર માટે ગૌતમ ગંભીર અને યૂસુફ પઠાણ બાદ સૌથી મોટી ખરીદી હતી. શાકિબે ટી20 ક્રિકેટમાં પોતાની ટીમના સૌથી મોટા મેચ વિજેતાના રૂપમાં પોતાને સાબિત કર્યો હતો. તેણે કેકેઆર માટે 7 સિઝનમાં 43 મેચ રમી જેમાં 43 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશનો આ ખેલાડી વર્ષ 2017 સુધી કોલકત્તાની સાથે રહ્યો અને 2018ની હરાજીમાં તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.
કોલકત્તા નાઇટરાઇડર્સ લગભગ 2014ના આઈપીએલની હરાજીમાં પોતાની સર્વશ્રેષ્ઠ ખરીદી કરી જ્યારે તેણે જમૈકાના ઓલરાઉન્ડર આંદ્રે રસેલને માત્ર 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે ટી20માં રસેલના મેચ વિનિંગ પ્રદર્શને તેને લીગના ઈતિહાસમાં સૌથી વધુ વેતન મેળવનાર વિદેશી ખેલાડીઓમાંથી એક બનાવી દીધો છે.
આ ઓલરાઉન્ડર ખેલાડી વર્ષ 2014થી કેકેઆરનો સ્ટાર ખેલાડી રહ્યો છે. તેણે સ્લોગ ઓવરોમાં બોલિંગ કરતા સતત વિકેટ ઝડપી અને ટીમને વિજય અપાવ્યો છે. 5 વર્ષથી કેકેઆર માટે રમતા રસેલે 43 વિકેટ પોતાના નામે કરી છે.