કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!
અમદાવાદમાં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. એસજી હાઇવે, ગોતા, સોલા, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, આશ્રમ રોડ, પાલડી, લાલ દરવાજા, જમાલપુર, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નવા વાડજ, નારણપુરા, નિર્ણયનગર, RTO, સુભાષ બ્રિજ, બોપલ, એસજી સેટેલાઈટ, શિવરંજની, એલિસબ્રિજ, શાહપુર, ઘીકાંટા, પ્રહલાદનગર, શાહપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક કલાકોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેથી વાહન ચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
મહત્વનું છે કે, દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.
તો આવતીકાલે પણ રાજ્યના ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી અપાઈ છે. ત્રીજા દિવસે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓના યેલો અલર્ટની આગાહી આપવામાં આવી છે.