ગુજરાતના આ સમાજની કંઈક અલગ છે પરંપરાઓ, ક્યાંય જોવા નહીં મળે તમને આ દ્રશ્યો
વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ તાલુકા આદિવાસીઓની વિશેષ વસ્તી ધરાવતા તાલુકા છે. વલસાડ જિલ્લાના આ તાલુકાઓ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં હોળીની ઉજવણી એક અઠવાડીયા અગાઉથી શરૂ થતી હોય છે. હોળી પર્વ નિમિતે કામધંધા અર્થે બહારગામ ગયેલા લોકો ઘરે આવી પહોંચે છે. તાલુકામાં વિશેષ ભરાતા હોળીના હાટબજારમાં લોકો આદિવાસી વાજિંત્ર કાંહળી, માદળ, તૂર, ઢોલકા, તારપા જેવા વાદ્યો સાથે પહોંચી ઘણા કલાકારોમાં ભવાની, અંબામાતા સહિતના મુખોટા પહેરી કાંહળીનાં તાલે મા ભવાની નૃત્ય કરતા હોય છે.
માતાના દર્શન કરી તિલક લગાવે છે. યથા શક્તિ ફગવો આપી બાળકોને મેલી નજરથી બચાવે છે. ધરમપુરમાં હોળી પૂર્વે હાટબજારમાં નૃત્ય સાથે ફાગ ઉઘરાવતા આદિવાસીઓ નજરે પડે છે. સદીઓથી તેઓના વડવાઓએ આ પરંપરાગત હોળી ઉજવણી કરતા આવ્યા છે. લોકો પણ માતાના દર્શન કરી તિલક લગાવી યથાશક્તિ મુજબ ફગવો આપી જતા હોય છે. ઘૂઘડીઘોડા પાસે અમુક આદિવાસી માતા-પિતા તેમના બાળકને મેલી નજર નહિ લાગે તે માટે નચાવી બદલામાં બે-પાંચ રૂપિયા ભેટ તરીકે આપતા હોય છે.
આ સાથે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી અમુક તમાશાવાળા પણ ધરમપુર-કપરાડા જેવા તાલુકામાં આવી હોળી-ધૂળેટીનાં દિવસો દરમ્યાન ઘરે ઘર ફરી વાદ્યો વગાડી નાચગાન કરી ફગવો ઉઘરાવે છે. સ્વેચ્છાએ દર્શન કરી તિલક લગાવ્યા બાદ લોકો દ્વારા અપાતો ફગવો દેવપૂજન તથા સમાજ માટે થતો હોય છે. હોળી પહેલાના હોળી હટવાડામાં ઘરે લગ્ન હોય તેમ લોકો ખરીદી કરવા પરિવાર સાથે ઉમટી પડે છે. આ રિતી રિવાજ આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ફાગ માંગવું એક રિવાજ છે જે ફાગ તેઓ ગામના લોકો સાથે જમણ કરે છે અને જરૂરી કામ કાજોમાં ઉપયોગ કરતા હોય છે.
હોળી પાંચમથી આદિવાસીઓમાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. ઉપરાંત ઘણા બાળકો, વડીલો, લાકડાની ઘોડી લઈને નીકળી કુંકણા ભાષામાં ફગવો દે આંતા ઘોડી ચાવાડી અને ધોડિયા ભાષામાં ફગવો દે નેંતે માણી ઘોડી ચાલે તાય ગાતા હોય છે. હોળી પહેલા વિશાળ મેદાનોમાં લુપ્ત થવાને આરે પહોંચેલી આટાપાટા, તીડીયો સહિતની વિવિધ રમતો ખાસ કરીને રાત્રીના રમતી હોય છે. હોળી અને ધૂળેટી એટલે આદિવાસી સંસ્કૃતિની ભવ્યતાના પ્રત્યક્ષ દર્શન જોવા મળતા હોય છે આ પરંપરા હજી પણ જીવંત છે એ માની શકાય છે.