વાવાઝોડાના કારણે ગુજરાતમાં સર્જાયેલી તારાજીના કરુણ દ્રશ્યો સામે આવ્યા! શ્રમજીવીઓ સાથે કુદરતે ક્રૂર મજાક
સાયક્લોનની અસર પહેલા કરતા ઓછી થઇ પણ તેને વેરેલો વિનાશ સામે આવવા લાગ્યો છે. ગાંધીધામ શહેરમાં સેંકડોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. રોડની બાજુમાં ઝુંપડા બાંધીને રહેતા ગરીબ પરિવારોને સૌથી મોટું નુકશાન થયું છે. વિવિધ પ્રકારની માટીની સેંકડો કલાત્મક વસ્તુઓને અતિભારે નુકશાન થયું છે.
ગાંધીધામમાં મોટા ઝાડ પડવાના કારણે માટીની વસ્તુઓ ચકનાચૂર થઇ છે. તેમના રહેણાંક આશિયાના પણ વેરવિખેર થયા છે. ઝુંપડા માલિકોને સરકારે અગાઉથી સુરક્ષિત સ્થળે સ્થળાન્તરીત કરી દીધા હતા, પરંતું કુદરતના ભરોસે મૂકીને ગયેલા શ્રમજીવીઓ સાથે કુદરતે ક્રૂર મજાક કરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બિપરજૉય વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.
હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.