સભ્ય સમાજે જેમને ઉપેક્ષિત કર્યા તે કિન્નર સમાજે આયનો દેખાડતું કાર્ય કરી ગરીબ પરિવારની દીકરીનું કર્યું કન્યાદાન

Thu, 02 Feb 2023-10:39 pm,

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: સમાજમાં ત્રીજી જાતિ નો જેમને દરજ્જો પ્રાપ્ત છે અને આપણે જેમને થર્ડ જેન્ડર તરીકે ઓળખીએ છીએ તે કિન્નર સમાજે ગોધરા માં પ્રેરણાદાયી અને માનવતારૂપી કાર્ય કર્યું છે.કિન્નર સમાજ ને સભ્ય સમાજ ભલે એક અલગ નજર થી જોતો હોય પરંતુ એક ગરીબ પરિવાર ની દીકરી ને લાડકોડ થી ઉછેરી તેને ભણાવા ગણાવા સુધી ની જવાબદારી સાથે જ એ દીકરી ના ધામધૂમ થી લગ્ન કરી કન્યાદાન કરી માબાપ ની ફરજ નિભાવી છે અને આવા કાર્ય થકી સમાજ માં નવી રાહ ચીંધી છે.

ગોધરા ના કિન્નર સમાજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દારૂણ સ્થિતિમાં જીવન વ્યતિત કરતી ત્રણ દીકરીઓને દત્તક લેવામાં આવી હતી.જેઓના અભ્યાસ સહિતનો તમામ ખર્ચ હાલ પણ કિન્નર સમાજ ઉપાડી રહ્યો છે,દત્તક લીધેલ ત્રણ દીકરીઓ પૈકી એક દીકરી જાગૃતિ ના આજ રોજ ગોધરા ખાતે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે.

ગોધરામાં કિન્નર સમાજે અનોખી પહેલ કરવા સાથે સમાજના ગરીબ પરિવારની પાંચ દીકરીઓને દત્તક લઈ તેઓના લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડવાનો સંકલ્પ કર્યો છે,જે પૈકી એક દીકરીનું ગોધરા ખાતે ધામધૂમથી ગુરુવારે કિન્નર સમાજ દ્વારા વિધિવત રીતે લગ્ન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કિન્નર સમાજ અગ્રણીએ જણાવ્યું હતું કે, સમાજ માં અમારું સ્થાન ભલે નગણ્ય હોય પરંતુ અમે પણ એક સામાજિક વ્યક્તિ છીએ અને અમે અમારા દીકરીના લગ્ન કરાવવાના અભરખા પૂરા કરવા માટે દીકરીઓને દત્તક લીધી છે.

સાથે જ સમાજ દ્વારા અમને આપવામાં આવતા દાન પૈકી કેટલો હીસ્સો અમે સમાજ માટે જ અર્પણ કરી અમારા આવતાં ભવ અને સુધારવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ, નોંધનીય છે કે, કિન્નર સમાજ દ્વારા ગોધરા લુહાર સુથારવાડી ખાતે તેઓએ  દત્તક લીધેલી દીકરીના લગ્ન પ્રસંગે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કન્યાદાન સહિત તમામ વિધિ સંગીતા દે અને રીન્કુ દે દ્વારા કરવામાં આવી હતી.

સમાજમાં કિન્નર સમાજ ને કંઈક અલગ જ રીતે મુલવવામાં આવતો હોય છે, ઠેર ઠેર ફરી માંગણુ કરી જીવન વ્યતીત કરતાં કિન્નર સમાજનું માનવતાવાદી વલણ અનેક વખત જોવા મળ્યું છે.

ગોધરા કિન્નર સમાજની વાત કરવામાં આવે તો કોરોનાના કપરા કાળમાં પણ તેઓના વિસ્તારમાં રહેતાં મધ્યમ વર્ગના તમામ પરિવારો અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તથા ગોધરા બાયપાસ ચોકડી ઉપર જઇ પોતાના ઘરે બનાવેલા ટિફિનો આપી જરૂરિયાતમંદોને મદદ કરવાની એક અનોખી પહેલ કરવામાં આવી હતી,જેના બાદ કિન્નર સમાજની વધુ એક પહેલ સામે આવી છે.

પોતાની દીકરીના લગ્ન કરાવતાં હોય એવા જ અભરખા સાથે કિન્નર સમાજના તમામ સભ્યોમાં હર્ષોલ્લાસ  જોવા મળ્યો  હતો, સાથે જ પોતાની દીકરીને સાસરીયે વળાવતી વેળાએ માતા પિતાની આંખમાં જે પ્રકારના આંસુઓ જોવા મળે એવા આંસુઓ સાથે તમામ કિન્નર સમાજ એક તબક્કે ભાવુક પણ જોવા મળ્યો હતો. કિન્નર સમાજ દ્વારા દીકરીના લગ્ન માટેનો કન્યાદાન,ઘરવખરી સહિતના તમામ ખર્ચ ઉપાડવામાં આવ્યો છે.   

જે અંગે સંગીતા દે કે જણાવ્યું હતું કે અમે પણ સમાજનું એક અભિન્ન અંગ છીએ અમને પણ અમારી દીકરી હોય તેના લગ્ન કરવાનો ઉમંગ હોય છે જે અભરખો અમે દીકરીઓ દત્તક લઈને પૂરો કરી રહ્યા છીએ. અમારો આવતો ભવ પણ સુધરે  જેના માટે માતાજીની દયાથી અમે દીકરીઓને દત્તક લઈ પુણ્ય કમાવાનો આ એક રૂડો અવસર પ્રાપ્ત કર્યો છે જેનો અમને ગર્વ અને ખુશી પણ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link