Photos : મોતને ભેટેલા 24 સિંહોને ગરબામાં અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ
ગીરની શાન એવા સિંહોનું વાયરસને કારણે હાલમાં જ મોત નિપજ્યાં છે. તો બીજી તરફ, મા અંબાનું વાહન પણ સિંહ જ છે. ત્યારે આપા ગીગાની જગ્યાએ નવરાત્રિનું ખાસ આયોજન કરાયું હતું. જેમાં ગિગેવ રાસ મંડળની બાળાઓએ સિંહોના મુખવટા પહેરીને ગરબા કર્યા હતા. તો બીજી તરફ, જોનારા દર્શકો તથા મંડળના યુવકોએ પણ સિંહોના મુખવટા પહેર્યા હતા.
આપા ગીગાની જગ્યામાં છેલ્લા 15 વર્ષથી ગિગેવ રાસ મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં પ્રાચીન ગરબા ગાઈને માતાજીની આરાધના કરાય છે. પરમ પૂજ્ય શ્રી જેરામબાપુ ગાદીપતિ આપાગીગાના તેમજ કોઠારી શ્રી હરિબાપુ દ્વારા આ આયોજન કરાય છે. આ પ્રાચીન ગરબાને નિહાળવા માટે લોકોની ભીડ જામતી હોય છે. ત્યારે સિંહોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હોઈ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ મુજબ સિંહ એટલે અંબાજી માતાનું વાહન. તો સિંહોનું મોત પણ દુખદ ઘટના છે. ત્યારે આ સિંહોની આત્માને શાંતિ મળે તે હેતુથી અમે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. તેમનુ જતન થાય તેવા પ્રયાસોથી આ ગરબા કરાયા હતા.