અમદાવાદમાં આજે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે! આ વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતમાં નોંતરશે વિનાશ!
આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર થતા વરસાદી માહોલ જામ્યો હતો અને ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. 8 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજયમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલરની અસરને કારણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આજે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.
દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ,દમન, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
બપોરે 12 વાગ્યા બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. એસજી હાઇવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ, એલિસબ્રિજ, પાલડી, આશ્રમરોડ, જમાલપુર, નરોડા, નિકોલ, સરદારનગર, નોબલનગર, કોતરપુર, જોધપુર, બોપલ, ઓઢવ, વિરાટનગર ગોમતીપુર, મણીનગર, દાણીલીમડા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગત વર્ષ (2023)ના જૂન મહિનાની સરખામણીએ આ વર્ષે (2024) જૂન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટીને 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે પણ શહેરનું મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.