સૌથી અમીર મુસ્લિમ દેશમાં બન્યું ભવ્ય BAPS હિન્દુ મંદિર, પીએમ 14મીએ કરશે ઉદઘાટન
ઈટલીથી આ મંદિર માટે ખાસ સંગેમરમર લાવવામાં આવ્યો છે. કાર્બન ફુટપ્રિન્ટને ઓછું કરવા માટે મંદિરના પાયામાં કોંક્રિટના મિશ્રણની સાથે સાથે ક્લાઈ એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અબુધાબી હિન્દુ મંદિર એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. તેની ઉંચાઈ 32.92 મીટર, લંબાઈ 79.86 મીટર અને પહોળાઈ 54.86 મીટર છે. આ મંદિરની બનાવટમાં 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મંદિર પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનેલું સૌથી મોટું મંદિર હશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ મંદિરને બનાવવા માટે 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ મંદિરને બારીકાઈથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેમાં દેશના સાત અમીરાતોનું પ્રતિનિધિત્વ કરનારા સાત મિનારા હશે. આ મંદિર ક્ષેત્રનું નિર્માણ 27 એકર ભૂમિ પર થયું છે. આ મંદિરને બનાવવામાં ઉત્તરી રાજસ્થાનથી અબુધાબી સુધી ગુલાબી બલુઆ પત્થર પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંની ભીષણ ગરમીમાં પણ આ પથ્થરોને કોઈ નુકસાન નહિ થાય.
પ્રધાનમંત્રી મોદી 14 ફેબ્રુઆરીએ આ હિંદુ મંદિરનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદીએ આ મંદિરનું ભૂમિ પૂજન 2018માં કર્યું હતું. આ અબુ ધાબીનું પહેલું હિંદુ મંદિર છે. જે અલ વાકબા જગ્યા પર 20,000 સ્ક્વેર મીટર જગ્યામાં બની રહ્યું છે. આ મંદિરને અત્યંત અત્યાધુનિક શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરને શાહી, પારંપરિક રીતે હાથથી નકશીકામ કરેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે.
અબુધાબીમાં અત્યારે ભવ્ય અને ઐતિહાસિક હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યં છે. ભવ્ય બાપ્સ હિંદુ મંદિરનું ખૂબ જ ઝડપથી કામકાજ ચાલી રહ્યું છે. આ મંદિરની કેટલીક ખાસ તસવીરો સામે આવી રહી છે. જેમાં જોવા મળી રહ્યું છેકે મંદિર લગભગ પૂર્ણ થવાના આરે પહોંચી ગયું છે. આ મંદિર માત્ર ભારતીય સમુદાય જ માટે આસ્થાનું કેન્દ્ર નહીં હોય. પરંતુ વૈશ્વિક શાંતિ અને સદભાવનાનું પ્રતીક પણ બનશે.