ગુજરાતમાં અહીં થાય છે ઢીંગલા-ઢીંગલીના અનોખા લગ્ન, જાન પણ આવે છે અને પીઠી પણ લાગે છે!

Sun, 28 Jul 2024-2:29 pm,

તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો લગ્નનો વરઘોડો પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગે છે. આ વરઘોડામાં બાળકોથી લઈને તમામ ઉમરની મહિલાઓ લગ્નના વરઘોડાને માણી રહી છે. પરંતુ દમણમાં હાલે વરસાદી મોસમ વચ્ચે અનોખા લગ્નની ઉજવણી ચાલી રહી છે. દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકો દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે. તેની તૈયારી બે દિવસ પહેલા શરૂ થઈ જાય છે. નવા વસ્ત્રો અને તેમનો શણગાર કરવામાં આવે છે. શેરીની તમામ મહિલાઓ આ લગ્નમાં સામેલ થાય છે. તમામ પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ થાય છે. ઘરમાં ઢિંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય છે. પરંપરાગત લોકગીતો ગવાય છે. લગ્ન સમયે ઢીંગલાના વરઘોડાને બહાર કાઢવામાં આવે છે. ડીજે સાઉન્ડના ગીત ઉપર નાચતા ગાતા જાન ઢીંગલીના ઘરે પહોંચે છે. તેમના લગ્ન પંડિત દ્વારા હિન્દુ રીતરિવાજ મુજબ થાય છે.

સંઘપ્રદેશ દમણ માં હાલ માં માછી મારો નું વેકેશન ચાલે છે અને તેમના સમાજ માં અષાઢ મહિના ની એકાદશી ના દિવસે ઢીંગલા ઢીંગલી ના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી. ત્યારબાદ દેવ ઉઠી અગિયારસ એટ લે દેવ દિવાળીથી ફરીથી લગ્નપ્રસંગ શરૂ થાય છે. ત્યારે એક માન્યતા તે પણ છે કે માછીમારો જ્યારે દરિયો ખેડવા જાય છે તેની રક્ષા માટે માછીમારોની મહિલા પોતના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપવામાં આવે છે અને ત્યાર બાદ જે રીતે આપણે પીઠી ચોળીને વરઘોડો કાઢીને લગ્ન વિધિ કરાય છે, તે જ રીતે આ ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવાય છે. સતત 15 દિવસ તમામ માછીમાર સમાજના ઘરે આ રીતે ઢીંગલા ઢીંગલીનું સ્થાપન કરવામાં આવે છે. રોજ સાંજે મહિલાઓ જુદી જુદી વિધિઓ કરે છે. સાથે માછી સમાજના વિવિધ લગ્ન ગીતો પણ ગાવામાં આવે છે. અન્ય સ્થળે પરણેલી દમણની દીકરીઓ ખાસ ઢીંગલાના લગ્નને માણવા પિયર આવે છે.   

દમણ ની તમામ 18 શેરીઓમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અષાઢ મહિનાની એકાદશીના દિવસે લગ્ન વિધિ કર્યા બાદ 15 દિવસ પછી દિવસના દિવસે આ ઢીંગલા ઢીંગલીનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. દિવાસાના દિવસે જે મોટી ભરતી હોય તે દિવસે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે માછીમારી કરતાં ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે અને માછીમારોનું આખું વર્ષ સારું જાય. આ મહિલાઓ ભગવાન સ્વરૂપ ઢીંગલા ઢીંગલીના લગ્ન કરીને સુખાકારીની પ્રાર્થના કરે છે અને આ પરંપરા વર્ષો જૂની આજની પેઢીને પણ એની સમજ આપે છે. 

સંઘપ્રદેશ દમણમાં વર્ષો જૂની ઢીંગલા ઢીંગલી પરંપરા આજે પણ જળવાઈ છે. આજની નવી પેઢી પણ આ અનોખા વિવાહને મન ભરીને માણે છે. આ પ્રકાર ના લગ્ન પાછળ અનેક વાયકા પણ છે. સત્ય એ પણ છે કે દમણની તમામ 18 શેરીઓની મહિલા આ લગ્નમાં સાથે હળીમળીને ભવ્ય લગ્નમાં જોડાય છે. જેથી માછી સમાજમાં એકતા અને અખંડિતા પણ જળવાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link