આ પાટીદાર દંપતી છે શંખના શોખીન! આખા ઘરને સંગ્રહાલયમાં કર્યું પરિવર્તિત, 760 પ્રજાતિના 5500 જેટલા શંખ

Fri, 06 Dec 2024-1:09 pm,

નવસારીના ગણદેવી તાલુકાના નાનકડા એવા તલોધ ગામે રહેતા મેહુલ પટેલને નાનપણથી સમુદ્ર પ્રત્યે લગાવ હતો. જેમાં પણ દરિયા કિનારે જાય, તો શંખ, છીપ વગેરે શોધી લાવી તેનો સંગ્રહ કરતા હતા. વર્ષ 2007 થી મેહુલે સારા પ્રમાણમાં શંખ અને છીપ સંગ્રહ કર્યા હતા, પણ તેમનો શોખ 7 વર્ષ બાદ જીવન સંગિની હિરલના આવ્યા બાદ બેવડાયો હતો. 

10 વર્ષો દરમિયાન મેહુલ અને તેમની પત્ની હિરલે ભારતના મોટા ભાગના દરિયા કિનારાઓ અને વિદેશમાં થાઇલેન્ડ, ફિલિપાઇન્સ જેવા દેશોના સમુદ્ર કિનારાઓની મુલાકાત લઈ, 5 સેન્ટી મીટરથી લઈ, 2 ફૂટથી વધુ લંબાઈના શંખ અને છીપલાઓ, શંખમાંથી મળતા ગોમતી ચક્ર, પૃથ્વીમાંથી મળતા શાલિગ્રામ, કોળી, મોતીનો સંગ્રહ કર્યો છે. 

પટેલ દંપતી પાસે 760 પ્રજાતિના 5500 જેટલા શંખ અને છીપનો સંગ્રહ છે, જેને પોતાના બેડરૂમમાં જ ગોઠવી એક નાનું સંગ્રહાલય બનાવ્યુ છે. સાથે જ મેહુલ અને હિરલ બંનેએ વૈશ્વિક સ્તરે શંખ અને છીપ સંગ્રહિત કરતા લોકોના ગ્રુપ સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઈને અનેક દુર્લભ શંખ અને છીપ આદાન પ્રદાન થકી અથવા હરાજીમાં મેળવ્યા છે. 

દંપતીએ શંખ, છીપ વિશેનો અભ્યાસ કર્યો, આકાર, રંગ, વજન, ડિઝાઇનને ધ્યાને રાખી કઈ પ્રજાતિ છે એની માહિતી પુસ્તકમાં સંગ્રહિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. સાથે ગુજરાતી ઈ મેગેઝીન સમુદ્ર પટકથા પણ શરૂ કરી, શંખ છીપ વિશે માહિતી મેળવવા અથવા અભ્યાસુઓ માટે માર્ગદર્શનરૂપ કેડી કંડારી રહ્યા છે.

મેહુલના પત્ની હિરલને કળામાં ઘણો રસ છે. જેથી પતિના શોખમાં તેમને તેમની કળાને પણ વિકસાવવાનો સ્કોપ દેખાયો. જેથી હિરલે મેહુલને સહયોગ આપ્યો અને શંખના સંગ્રહ સાથે જ શંખ, કોડી, મોતી વગેરેનો ઉપયોગ કરી વિવિધ શોપીસ, જ્વેલરી, આર્ટ પીસ, યુટેંસિલ વગેરે બનાવવાની પદ્ધતિ શીખી છે. 

સાથે જ સ્થાનિક સ્તરે જેને કોડી કે મોતી જોઈએ તો તેમને મેળવી આપવાનો પ્રયાસ પણ કરે છે. જ્યારે દરિયા કિનારેથી શંખ કે છીપ શોધતી વેળાએ એમાં જીવ હોય તો એને હાની ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે છે. મોટા ભાગે હરાજી થકી જ શંખ મેળવતા હોય છે. ત્યારબાદ તેના આકાર, રંગ, ડિઝાઇન આહરિત એનું નામ શોધી એનો ડેટા તૈયાર કરે છે. પટેલ દંપતી www.conchology.co.in વેબસાઈટ પણ વિકસિત કરી શંખ વિશેની માહિતી પુરી પાડે છે.

સનાતન ધર્મમાં શંખ વિશે અનેક માન્યતા અને અવધારણા છે, જેને પણ વૈજ્ઞાનિક ઢબે સમજાવવાનો પ્રયાસ આ પટેલ દંપતી કરી રહ્યું છે. ત્યારે શંખ છીપ સમગ્ર કરવાના શોખ સાથે તેના વિશેની નાનામાં નાની માહિતી મેળવી વિદ્યાર્થીઓ અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનાર મેહુલ અને હિરલ બંને શંખનું એક વિશાળ સંગ્રહાલય બનવવાનું સપનું સેવી રહ્યા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link