બપોર બાદ ગુજરાતના બે જિલ્લામાં વાતાવરણે કરવટ બદલી! અનેક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ વરસ્યો
અંબાલાલ પટેલની આગાહી બાદ આજથી રાજ્યના વાતાવરણે કરવટ બદલી હતી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. દાહોદના ઝાલોદના લીમડી, વરોડ સહિતના પંથકમાં માવઠું પડ્યું છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અંબાજીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. અંબાજીમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે.
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે.
જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.
ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે 13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.