Shree Ram Mandir: ભારતના આ મંદિરમાં આજે પણ શ્રીરામ જ રાજા, દિવસમાં ચાર વખત અપાય છે ગાર્ડ ઓફ ઓનર
આમ તો ભગવાન શ્રીરામનું નામ સવાર સાંજ દરેકની જીભે હોય છે. પરંતુ એક મંદિર એવું પણ છે જ્યાં શ્રીરામને રાજા ગણવામાં આવે છે અને અહીં તેમને દિવસમાં ચાર વખત સલામી આપવામાં આવે છ. જાણો આ મંદિરનો ઈતિહાસ.
ભારતમાં આ મંદિરમાં ભગવાન શ્રી રામને રાજા ગણીને તેમની પૂજા કરવામાં આવે છે. રાજા કહીને શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના જણાવે છે.
ઝાંસીથી 20 કિલોમીટર દૂર મધ્ય પ્રદેશ સરહદે બેતવા નદીના કિનારે આવેલા ઓરછામાં ભગવાન શ્રીરામનું મંદિર છે. આ મંદિરને રાજા રામ સરકારના નામથી ઓળખવામાં આવે છે.
આ ભારતનું એક એવું મંદિર છે જ્યાં શ્રી રામને ભગવાન નહીં પરંતુ રાજા રામ ગણવામાં આવે છે. ભગવાન રાજા રામને દિવસમાં ચાર વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
માન્યતા મુજબ છેલ્લા 400 વર્ષથી એવી પ્રથા ચાલી રહી છે. અહીંના લોકોનું માનવું છે કે ભગવાન શ્રીરામ આજે પણ તેમના ત્યાં રાજ કરે છે.
પ્રવાસીઓ માટે આ પ્રાચીન મંદિર પર્યટન સ્થળ છે. લાખોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે. રાજા રામને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે અહીં પોલીસકર્મીઓની પણ તૈનાતી કરાઈ છે.
મળતી માહિતી મુજબ ભગવાન શ્રીરામ પોતે અહીંના રાજા બનવા માંગતા હતા. આજથી લગભગ 400 વર્ષ પહેલા વર્ષ 1554થી 1594 સુધી રાજા મધુકર શાહ ઓરછાના રાજા હતા. તેમના પત્ની રાણી કુંવર ગણેશીના સપનામાં આવીને ભગવાન રામે પોતાને ભગવાની જગ્યાએ રાજા કહેવડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
રાજા મધુકર શાહ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. એકવાર તેણે રાણી કુંવર ગણેશીને વૃંદાવન જવા માટે કહ્યું. પરંતુ રાણીએ જવાની ના પાડી દીધી. આ વાતને લઈને બંનેમાં ચર્ચા થઈ. ત્યારબાદ રાજાએ રાણીને પડકાર ફેંક્યો કે જો રામ ભગવાન હોય તો તેમને ઓરછા લાવી બતાવો. જેના પર રાણી અવધપુરી અયોધ્યા ગઈ અને સરયુ નદી કિનારે લક્ષ્મણ કિલ્લા પાસે આકરી તપસ્યા કરી.
ઈતિહાસ મુજબ એક મહિનો તપસ્યા કર્યા બાદ રાણીએ થાકીને સરયૂ નદીમાં છલાંગ લગાવી હતી. પરંતુ ચમત્કારિક રીતે તેઓ નદીમાંથી બહાર આવી ગયા. જેને રામ ભગવાનનો ચમત્કાર ગણવામાં આવ્યો. એવું કહેવાય છે કે બેહોશીની હાલતમાં રહીને રાણીએ જ્યારે આંખો ખોલી તો ભગવાન રામ તેમને ગોદીમાં બેઠેલા હોય એવું લાગ્યું.
રાણીએ ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ ઓરછા આવે. શ્રીરામે રાણી સામે ઓરછા આવવા માટે 3 શરતો મૂકી. પહેલી એ કે તઓ પુષ્ય નક્ષત્રમાં જ ઓરછા માટે પ્રસ્થાન કરશે. બીજી એ કે જ્યાં તેઓ એકવાર બેસશે ત્યાં સ્થાપિત થઈ જશે. ત્રીજી શરત એ હતી કે તેઓ ઓરછાના રાજા કહેવાશે જ્યાં તેમનું રાજાશાહી ફરમાન ચાલશે.